ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક અને સ્લીપર સેલનો ખાતમો કરવા માટે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ફરી એકવાર બહુ મોટું અને સફળ ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યની સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમોએ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં એકસાથે દરોડા પાડીને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ પાંચ શંકાસ્પદ આતંકીઓને દબોચી લીધા છે. આ ઓપરેશન બાદ સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.
આતંકી સંગઠનના આકાઓના સીધા સંપર્કમાં
મળતી વિગતો અનુસાર, પકડાયેલા તમામ પાંચેય આતંકીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના આકાઓના સીધા સંપર્કમાં હતા અને ગુજરાતમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. એટીએસની ટીમો દ્વારા અત્યારે આ તમામ આતંકીઓના રહેઠાણ અને ગુપ્ત ઠેકાણાઓ પર સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમની પાસેથી દેશવિરોધી સાહિત્ય, ડિજિટલ ઉપકરણો અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
અગાઉ 8 આતંકી ઝડપાયા હતા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ દ્વારા આ મોડ્યુલનો પર્દાફાશ કરવા માટે છેલ્લા ઘણા સમયથી વોચ રાખવામાં આવી રહી હતી. આ પહેલા પણ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે કનેક્શન ધરાવતા 8 જેટલા સક્રિય આતંકીઓને એટીએસ અગાઉ ઝડપી પાડી ચૂકી છે. અગાઉ પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં ખુલેલી વિગતો અને કડીઓના આધારે જ આ નવું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વધુ 5 દેશદ્રોહીઓ કાયદાના સકંજામાં આવ્યા છે.
ઉંડી તપાસ શરુ
હાલમાં એટીએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તમામ આતંકીઓના ફંડિંગ સોર્સ, સ્લીપર સેલના નેટવર્ક અને ગુજરાતમાં તેમના સ્થાનિક સંપર્કો કોણ કોણ હતા તે દિશામાં સઘન અને ગુપ્ત પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
આ આતંકીઓ ઝડપાયા
ગુજરાત એટીએસ (ATS)ને આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં વધુ એક મોટી સફળતા સાંપડી છે, જેમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ ૫ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલામાં બિલાલ અબીદ શેરા, મોહમદ યાકૂબ કડીવાલ, મોહમદ યાકૂબ સુનસારા, મોહમદ હસન કરાડીયા અને મોહમદ સાફી મુખીનો સમાવેશ થાય છે. આ અગાઉ પણ એટીએસ દ્વારા 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા હતા.
મોટા પાયે બ્લાસ્ટ કરવાનું કાવતરું
લાંબા સમયથી આ સમગ્ર આતંકી મોડ્યુલ પર નજર રાખી રહેલી એટીએસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ સંગઠન દ્વારા મોટા પાયે બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. આ કાવતરા અંતર્ગત ગન પાવડર સહિતના કેટલાક શંકાસ્પદ રસાયણો મંગાવવામાં આવ્યા હતા અને તેના આધારે નિર્જન વિસ્તારોમાં નાના પાયે વિસ્ફોટો કરી પરીક્ષણ (ટ્રાયલ) પણ કરવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે એટીએસ દ્વારા વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
અયૂબ અને અમીન શેરા આ આખાય આતંકી મોડ્યુલના માસ્ટરમાઇન્ડ
ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશન અંતર્ગત સિદ્ધપુર અને તેની આસપાસના વિસ્તારોમાંથી શંકાસ્પદોની ધરપકડ કરીને એક મોટા કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, પકડાયેલા શંકાસ્પદો મોટા પાયે બ્લાસ્ટ કરવાનું ભયાનક કાવતરું ઘડી રહ્યા હોવાની આશંકા છે, જેમાં મોહમ્મદ અયૂબ અને અમીન શેરા આ આખાય આતંકી મોડ્યુલના માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે.
નિર્જન વિસ્તારોમાં 7 થી 8 વખત નાના બ્લાસ્ટ કરીને તેનું પરીક્ષણ
આ નેટવર્ક લાંબા સમયથી ગામડાઓમાં રહીને પોતાનો વ્યાપ વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જેના પર એટીએસ સતત ચાંપતી નજર રાખી રહી હતી. આ મોડ્યુલે બ્લાસ્ટને અંજામ આપવા માટે ગન પાવડર સહિતના જોખમી રસાયણો મંગાવ્યા હતા એટલું જ નહીં, પરંતુ કાવતરાના ભાગરૂપે નિર્જન વિસ્તારોમાં 7 થી 8 વખત નાના બ્લાસ્ટ કરીને તેનું પરીક્ષણ પણ કરી લીધું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
