ભાવનગર જિલ્લાને હચમચાવી મુકનાર લઠ્ઠાકાંડ જેવી ગોઝારી ઘટનામાં મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ તબિયત લથડ્યા બાદ સારવાર હેઠળ રહેલા વધુ એક યુવકે દમ તોડ્યો છે. આ નવા મૃત્યુ સાથે જ ભાવનગર લઠ્ઠાકાંડમાં સત્તાવાર રીતે મૃત્યુઆંક 9 પર પહોંચી ગયો છે, જ્યારે બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક 11 થઈ ચૂક્યો છે.

હાથબ ગામના 31 વર્ષીય યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો


તાજેતરમાં નોંધાયેલા શંકાસ્પદ મૃત્યુમાં ભાવનગરના હાથબ ગામના વતની એવા 31 વર્ષીય સુધીરભાઈ કાળુભાઈ રાવળ નામના યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. સુધીરભાઈની તબિયત અચાનક લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું દુખદ મોત થયું હતું. આ ઘટનાથી મૃતકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

મિત્ર સાથે પ્રસંગમાં દારૂ પીધા બાદ તબિયત લથડી હતી


મળતી વિગતો અનુસાર, ગત 18 ઓગસ્ટના રોજ સુધીરભાઈ રાવળે ભાવનગરના ફરિયાદકા ગામે એક પ્રસંગ દરમિયાન પોતાના મિત્ર સાથે દારૂનું સેવન કર્યું હતું. દારૂ પીધાના થોડા સમય બાદ જ તેમની શારીરિક સ્થિતિ બગડવા લાગી હતી. 19 ઓગસ્ટના રોજ તેમને સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.

સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થોડીવાર પહેલાં જ સુધીરભાઈનું અવસાન થતાં તેમના ઘરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દુઃખદની વાત એ છે કે, મૃતક સુધીરભાઈ પોતાના પરિવારમાં બે નાની દીકરીઓને વિલાપ કરતી મૂકી ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર હાથબ ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે અને તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.