ગુજરાતમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ મામલે સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. SMC દ્વારા તમામ 13 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને ગ્રાહ્ય રાખીને અદાલતે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ પુરાવાનો નાશ કરવા સહિતની ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. તપાસનો વ્યાપ વધારીને આરોપીઓના પરિવારના સભ્યો કે જેમણે આ ગુનામાં મદદગારી કરી છે તેમની સામે પણ કાર્યવાહી કરવાની તૈયારીઓ દર્શાવાઈ છે.

મુખ્ય કડીઓ અને કેમિકલના સ્ત્રોત સુધી પહોંચવા રિમાન્ડના મુદ્દા

પોલીસ તપાસ દરમિયાન અન્ય આરોપીઓની ધરપકડ માટે મુખ્ય આરોપીઓની હાજરી જરૂરી હોવાથી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. લઠ્ઠો બનાવવા માટે વપરાયેલી છેલ્લી દારૂની બોટલ સુધી પહોંચવું અને તેમાં અન્ય કયા ઝેરી કેમિકલનો ઉપયોગ થયો હતો તેની વૈજ્ઞાનિક તપાસ કરવી અત્યંત જરૂરી બન્યું છે. આ કાંડમાં વપરાયેલું કાચું મટીરીયલ ક્યાંથી, કોણે અને કેવી રીતે મોકલ્યું હતું તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત, ગુનો આચર્યા બાદ પુરાવાનો નાશ કરવામાં કોની કોની સંડોવણી હતી તે તમામ કડીઓ જોડવા માટે પોલીસ મજબૂત રિમાન્ડ ગ્રાઉન્ડ તૈયાર કરી રહી છે.

અન્ય રાજ્યોમાં તપાસનું નેટવર્ક અને રોલ સાબિત કરવાની કવાયત

આ સમગ્ર રેકેટના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાની શંકા હોવાથી પોલીસની અલગ-અલગ ટુકડીઓ રાજ્ય બહાર તપાસ માટે રવાના થશે. SMC માટે તમામ 13 આરોપીઓનો આ ગુનામાં વ્યક્તિગત અને સામૂહિક રોલ કોર્ટ સમક્ષ સાબિત કરવો સૌથી મહત્વનો પડકાર છે. આંતરરાજ્ય કેમિકલ સપ્લાય ચેઇન તોડવા અને આ દુર્ઘટના પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે આગામી 10 દિવસની પોલીસ કસ્ટડીની પૂછપરછ નિર્ણાયક સાબિત થશે.

આ પણ વાંચો : Junagadh News : માણાવદરમાં સરાજાહેર હત્યાથી ચકચાર, મોબાઇલ વેપારીને દુકાનમાં જ છરીના ઘા ઝીંક્યા