સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નાના વરાછા પોલીસ ચોકી ખાતે એક અત્યંત ચોંકાવનારી ફાયરિંગની ઘટના સામે આવી છે. નાના વરાછા પોલીસ ચોકીમાં ફરજ પર હાજર પીએસઆઈ (PSI) પી.એસ. મકવાણા પોતાની સર્વિસ બંદૂકની સફાઈ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક અકસ્માતે બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ હતી. ગન સાફ કરતી વખતે બનેલી આ ઘટનાને પગલે પોલીસ ચોકી પરિસરમાં ઘડીભર માટે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
ગોળી યુવકના શરીરના આરપાર નીકળી જતાં ચકચાર
પીએસઆઈ મકવાણાની બંદૂકમાંથી અચાનક છૂટેલી ગોળી પોલીસ ચોકીમાં જ સામે ઉભેલા એક યુવકને સીધી વાગી હતી. આ ગોળી એટલી તીવ્રતાથી વાગી હતી કે યુવકના શરીરની આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ યુવકને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા, તપાસ શરુ
પોલીસ ચોકીની અંદર જ પીએસઆઈની બંદૂકમાંથી ફાયરિંગ થતાંની સાથે જ સુરત પોલીસ બેડામાં ભારે સળવળાટ અને સન્સનાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો નાના વરાછા પોલીસ ચોકી ખાતે દોડી આવ્યો હતો. આ ઘટના ખરેખર અકસ્માતે સફાઈ કરતી વખતે જ સર્જાઈ છે કે કેમ અને ગન હેન્ડલિંગ દરમિયાન ક્યાંથી ગંભીર ચૂક થઈ તે તમામ પાસાઓ પર તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad પોલીસની લાલ આંખ, 11 દિવસમાં 41 માથાભારે ગુનેગારો પર પાસા અને 15 સામે તડીપારની કાર્યવાહી
