અમદાવાદ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા માથાભારે અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં છેલ્લા 11 દિવસની અંદર જ 41 જેટલા આરોપીઓ સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા આ તમામ 41 આરોપીઓની અટકાયત કરીને તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય 15 જેટલા ઈસમો સામે તડીપારની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શરીર, મિલકત સંબંધી ગુનેગારો અને બુટલેગરો સામે કડક પગલાં
પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ વિશેષ કાર્યવાહીમાં મુખ્યત્વે ગંભીર ગુના આચરનારા તત્વોને નિશાન બનાવાયા છે. જેમાં નાગરિકોની સલામતી જોખમાવતા અને શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા 9 આરોપીઓ તથા મિલકત સંબંધી ગુનાઓમાં સામેલ 14 આરોપીઓને પાસા હેઠળ જેલભેગા કરી દેવાયા છે. આ ઉપરાંત, શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરો સામે પણ તંત્રએ સકંજો કસ્યો છે, જેના ભાગરૂપે 18 જેટલા બુટલેગરો પર પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
