પાલનપુર એલસીબી (LCB) ટીમને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે અંબાજી નજીકના દાંતા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે LCBની ટીમે કણબીયા વાસથી કુંડેલ જવાના માર્ગ પર તાત્કાલિક ગોઠવાઈને સઘન નાકાબંધી કરી હતી. પોલીસની આ નાકાબંધી જોઈને દારૂની તસ્કરી કરી રહેલો ક્રેટા ગાડીનો ચાલક ગભરાઈ ગયો હતો અને ગાડી માર્ગ પર જ બિનવારસી છોડીને અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
10.08 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસ ટીમે બિનવારસી હાલતમાં મળેલી ક્રેટા કારની બારીકાઈથી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે કારમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ 80૪ બોટલો જપ્ત કરી હતી. ઝડપાયેલા દારૂના જથ્થા અને તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલી લક્ઝુરિયસ ક્રેટા ગાડી મળીને પોલીસે કુલ રૂ. 10,08,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાનું એક મોટું ગુનાહિત ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે.
