બોટાદના ભાવનગર રોડ પર આવેલા રેલવે ફાટક નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક મારૂતિ સ્વીફ્ટ કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર રોડ કિનારે આવેલા વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, વાહનની અતિશય ઝડપ જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની હતી.

બે લોકોનો આબાદ બચાવ, સદનસીબે મોટી જાનહાનિ ટળી

અકસ્માત સર્જાયો તે સમયે કારમાં ડ્રાઇવર સહિત બે લોકો સવાર હતા. કાર સીધી વીજપોલ સાથે અથડાવા છતાં સદનસીબે કારમાં સવાર બંને વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો અને તેમને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નહોતી. મોટી જાનહાનિ ટળતાં સ્થાનિક લોકો અને પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના બનતા જ આસપાસના લોકોએ મદદ માટે હાથ લંબાવીને અંદર સવાર લોકોને બહાર કાઢ્યા હતા.

નંબર પ્લેટ વગરની કારને લઈને સ્થાનિકોમાં તર્ક-વિતર્ક

આ સમગ્ર અકસ્માતમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે અકસ્માતગ્રસ્ત થયેલી મારૂતિ સ્વીફ્ટ કાર પર આગળ કે પાછળ કોઈ જ નંબર પ્લેટ નહોતી. નંબર પ્લેટ વિનાની કાર પુરપાટ ઝડપે દોડી રહી હોવાના કારણે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકોમાં જાતજાતની ચર્ચાઓ અને તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે. આ અંગે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર કોની છે અને કયા સંજોગોમાં નંબર પ્લેટ વગર હંકારી જવામાં આવી રહી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkot પોલીસનું ચેકિંગના નામે નાટક, નજર સામેથી નંબર પ્લેટ વગરનું વાહન નીકળી ગયું, પોલીસ જોતી રહી!