ગુજરાત સરકારે 23 ઓક્ટોબર, 2026ના રોજ ભારતીય વહીવટી સેવા (IAS)ના 17 અધિકારીઓની બદલી અને નવી નિમણૂક અંગેનો આદેશ જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં અનેક જિલ્લાઓના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મહેસાણા અને આણંદમાં નવા કલેક્ટર
હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને મહેસાણાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેસાણાના કલેક્ટર એસ. કે. પ્રજાપતિને ગાંધીનગરમાં વધારાના ગ્રામ વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની બદલી કરીને તેમને ધોળેરા એસઆઈઆર અને માંડલ-બેચરાજી એસઆઈઆર પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને આણંદના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
વાવ-થરાદ અને બનાસકાંઠામાં ફેરફાર
બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવેને વાવ-થરાદના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ તાપીના જિલ્લા વિકાસ અધિકારી રામ નિવાસ બુગાલિયાને બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની બદલી કરીને તેમને કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મસિયાગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાને વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અન્ય જિલ્લાઓમાં પણ નવી નિમણૂક
છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને ગૃહ વિભાગમાં કાયદા અને વ્યવસ્થા સંબંધિત નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ છોટાઉદેપુરના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ઓમકાર રાજેન્દ્ર શિંદેને જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. તાપીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવસારી જિલ્લાના વાંસદાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સ્વપ્નિલ મહાદેવ સિસલેની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તાપીના સોંગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજેશ કુમાર મૌર્યને જવાબદારી સોંપવામાં આવી છે.
સચિવાલય અને અન્ય વિભાગોમાં ફેરફાર
આલોક કુમાર પાંડેને રાહત કમિશનર અને મહેસૂલ વિભાગના સરકારના પદાધિકારીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જી. ટી. પંડ્યાને માહિતી નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૌરાંગભાઈ એચ. મકવાણાને ઇન્ડેક્સ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો છે. સી. સી. કોટકને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના વિશેષ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બી. એન. પટેલને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં રમતગમત સત્તામંડળના નિયામક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ આદેશથી વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં વહીવટી જવાબદારીઓમાં ફેરફાર થયો છે.
આ પણ વાંચો : Surat : તહેવારો ટાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ, 900 કિલો નકલી ઘી ઝડપાયું
