ગુજરાતના ધરતીપુત્રો અને ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેતીના પાક અને નવા વાવેતર પર કોઈ નકારાત્મક અસર ન પડે તે માટે રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની નવી જાહેરાત અનુસાર, હવે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી માટે નિયમિત મળતી 8 કલાકની વીજળીના બદલે સળંગ 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. સરકારનો આ નિર્ણય આગામી એક મહિના સુધી અમલી રહેશે


આદેશનો અમલ કરવા માટે કડક સૂચનાઓ


રાજ્યના ઊર્જા વિભાગે ગુજરાતની તમામ સરકારી વીજ કંપનીઓને તાત્કાલિક અસરથી આ આદેશનો અમલ કરવા માટે કડક સૂચનાઓ આપી દીધી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં વરસાદ ખેંચાયો હોય અથવા જ્યાં ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોય, તેવા વિસ્તારોની સ્થાનિક માંગણીઓને સર્વોચ્ચ અગ્રતા આપીને 10 કલાકનો વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રે વાવેતરના આ મહત્વના દિવસોમાં જો વીજળી કાપ કે અછત સર્જાય, તો ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ આગોતરું આયોજન કર્યું છે.

 ઊર્જા વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે


ઊર્જા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ઊર્જા વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી છેવાડાના ખેડૂત સુધી પણ પૂરતા વોલ્ટેજ સાથે વીજળી પહોંચાડી શકાય. આ જાહેરાતને પગલે ઊભા પાકની સિંચાઈ માટે ચિંતિત ખેડૂતોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે. ખરીફ અને બાગાયતી પાકોના બમ્પર ઉત્પાદન માટે સરકારનો આ માસ્ટરસ્ટ્રોક સાબિત થશે, તેમ કૃષિ નિષ્ણાતોનું માનવું છે. 

  • Follow us on: