ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજળી વપરાશમાં આવેલા અચાનક અને ઐતિહાસિક ઉછાળા પાછળનું સાચું કારણ આખરે સામે આવ્યું છે. વૈશ્વિક હવામાન પેટર્ન ‘અલ નીનો’ (El Niño) ના કારણે રાજ્યમાં તાપમાનનો પારો અસામાન્ય રીતે ઊંચકાતાં વીજળીની માગમાં તોતિંગ વધારો નોંધાયો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની વાસ્તવિક વીજ સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ખુલાસો કર્યો છે કે દિવસે તો સોલાર અને વિન્ડ એનર્જીથી ગાડું ગબડે છે, પરંતુ સાંજ પડતાં જ અછત સર્જાતી હોવાથી સરકારે કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક 1,000 મેગાવોટ વધારાની વીજળી ની માંગણી કરી છે.
અલ નીનોથી તાપમાન વધ્યું, સાંજથી રાત સુધી વીજ પુરવઠો ખૂટે છે
ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પાવર ક્રાઈસિસ અંગે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે સક્રિય અલ નીનોની સીધી અસર હેઠળ રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને તાપમાન વધ્યું છે, જેના પરિણામે ઘરગથ્થુ, ખેતી અને ઔદ્યોગિક ક્ષેત્રે પાવર વપરાશ આસમાને પહોંચી ગયો છે.હાલમાં વીજળીનો ઉપયોગ અભૂતપૂર્વ રીતે વધીને ભારે દબાણ ઊભું કરી રહ્યો છે.દિવસના સમયે તો રાજ્યમાં મોટા પાયે કાર્યરત સૌર ઊર્જા (Solar Power) અને પવન ઊર્જા (Wind Energy) ના ઉત્પાદનના કારણે વીજળીની ઘટ સરભર થઈ જાય છે.પરંતુ મોટો પડકાર સાંજ પછી ઊભો થાય છે; સૂર્ય આથમતાં જ સોલાર પાવર બંધ થઈ જાય છે અને સાંજથી લઈને મધરાત સુધી રાજ્યમાં પૂરતો વીજ પુરવઠો મેળવવામાં ભારે તંગી સર્જાઈ રહી છે.
