ગુજરાતમાં ગત માર્ચ મહિનામાં રાજ્ય સરકારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા UCC વિધેયક પસાર કર્યું હતું. આ વિધેયક બહુમતીથી પસાર થઈ ગયું હતું. UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું હતું. આ બિલને હવે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવતા હવે રાજ્યમાં UCCના કાયદાનો ગેજેટ સાથે જ અમલ શરૂ થઈ જશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ગેજેટમાં પણ પ્રસિદ્ધિ કરાઈ છે.

સમાન કાયદાકીય માળખું અમલમાં આવશે

ગુજરાત વિધાનસભામાં જ્યારે આ બિલ પસાર કરવામાં આવ્યું ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તે સમયે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક બહુમતીથી પસાર થવા બદલ રાજ્યના તમામ નાગરિકોને અભિનંદન, રાજ્ય અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ગુજરાત UCC લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય બન્યું છે. સમાન નાગરિક સંહિતાના અમલના લીધે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું અમલમાં આવશે. 

મહિલાઓને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત થશે

તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત થશે, જેથી તેમના સન્માન અને સુરક્ષાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે. સાથે જ, ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોવાથી કોઈ સમુદાયને અન્યાય ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ UCC અંગે પોતાનો આખરી અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો. 

મુદ્દાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો

જેમાં તમામ જરૂરી મુદ્દાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો છે, અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક આ વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ તે સમયે કરેલી પોસ્ટમાં એવું પણ કહ્યું હતું કે, UCC લાગુ થવાના લીધે રાજ્યનો સામાજિક ઢાંચો વધુ મજબૂત થશે. તમામ સમાજ અને સમુદાયના લોકો માટે વિકાસનો વધુ ઉત્સાહવર્ધક માહોલ તૈયાર થશે. વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ દ્વારા સાકાર કરવા માટે આપણે વધુ ઝડપથી આગળ વધી શકીશું. 

આ પણ વાંચોઃ Bhavnagar લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર 43 દિવસ બાદ ઝડપાયો, SMC અને રાજસ્થાન ATS એ માસ્ટરમાઈન્ડને દબોચ્યો!