ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવનારા ભયાનક લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઈન્ડને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે રાજસ્થાન એટીએસ (ATS) ની મદદથી સફળતાપૂર્વક દબોચી લીધો છે. છેલ્લા 43 દિવસથી સતત પોલીસને ચકમો આપી ભાગતા ફરતા રાજસ્થાનના ભીલવાડાના 22 વર્ષીય યુવક લાડુ લાલ ઉર્ફે ગણેશ ખારોલની અટકાયત કરવામાં આવી છે. લઠ્ઠાકાંડના આ ચકચારી કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ગૌતમ સોલંકી સહિત કુલ 42 આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી લીધી છે.
વરતેજ ખાતે મિથેનોલ યુક્ત દારૂના ઉત્પાદનનું ષડયંત્ર
SMC ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, માસ્ટરમાઈન્ડ લાડુ લાલે મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે મળીને ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ગોઠવ્યું હતું. આ કાળા કારોબાર માટે જરૂરી ખાલી બોટલો, ઢાંકણાં અને ડુપ્લીકેટ સ્ટીકરો માસ્ટરમાઈન્ડ બહારથી પૂરા પાડતો હતો. વરતેજ ખાતે ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલ યુક્ત ઝેરી દારૂ બનાવવામાં આવ્યો હતો, જેનું સેવન કરવાથી 14 જેટલા નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા અને અનેક લોકો હોસ્પિટલના ખાટલે પહોંચ્યા હતા.
