ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. ભારતીય સંસદીય પ્રણાલી અને વિધાયક પરંપરા અનુસાર વિધાનસભા સત્રની શરૂઆત હંમેશા 'વંદે માતરમ્'ના સમૂહગાન સાથે કરવાની અવિરત પરંપરા રહી છે. તમામ સભ્યો રાષ્ટ્રગીત/રાષ્ટ્રગાનના સન્માનમાં પોતાની જગ્યા પર ઊભા રહીને આ ગાનમાં ભાગ લેતા હોય છે, પરંતુ આજના સત્રની શરૂઆતમાં જ એક અભૂતપૂર્વ વિવાદ સર્જાયો હતો.
રાષ્ટ્રીયગીત દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય બેસી જતાં સભાગૃહમાં ગરમાવો
રાષ્ટ્રીયગીત વંદે માતરમ્ શરૂ થતાંની સાથે જ ગૃહના તમામ સભ્યો સન્માનમાં ઊભા થયા હતા, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગાન શરૂ થયા બાદ થોડી જ ક્ષણોમાં પોતાની સીટ પર બેસી ગયા હતા, એવો આરોપ વન રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ લગાવ્યો છે. જ્યાં એક તરફ કોંગ્રેસના બાકીના તમામ ધારાસભ્યો અને સમગ્ર ગૃહ ગાન પૂર્ણ થાય ત્યાં સુધી અડગ ઊભા રહ્યા હતા, ત્યાં ઇમરાન ખેડાવાલાનું આ પ્રકારનું વર્તન જોઈને સભાગૃહમાં ભારે આશ્ચર્ય અને રોષની લાગણી જન્મી હતી.
કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને માફી માંગે: ભાજપની માગ
આ ઘટનાને પગલે વન રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. વન રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ સ્પષ્ટપણે સવાલ ઉઠાવ્યો છે કે, રાષ્ટ્રીય ગીત દરમિયાન બેસી જવું એ ઇમરાન ખેડાવાલાનું વ્યક્તિગત કૃત્ય છે કે, પછી આ કોંગ્રેસ પક્ષનું સત્તાવાર સ્ટેન્ડ છે? ભાજપ તરફથી માગ કરવામાં આવી છે કે, કોંગ્રેસ પક્ષ ત્વરિત આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરે. સાથે જ, જો આ કૃત્ય જાણીજોઈને દેશના રાષ્ટ્રીય ગીતનું અપમાન કરવાના ઈરાદાથી કરવામાં આવ્યું હોય, તો તેમણે જાહેર માફી માંગવી જોઈએ.
અધ્યક્ષને રજૂઆત અને સરકારની ગંભીર નોંધ
વન રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ સમગ્ર બનાવને અત્યંત ગંભીરતાથી લીધો છે. સંસદીય બાબતો અને લોકશાહી પ્રણાલીઓની પૂરી જાણકારી હોવા છતાં કોંગ્રેસના વિધાયક દ્વારા આવું વર્તન કરવામાં આવ્યું તે બાબત ચલાવી લેવાય તેમ નથી. આ પહેલાં ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં વંદે માતરમ્ ગાન દરમિયાન આવી ઘટના ક્યારેય બની નથી. આ મામલે સરકારે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.
