ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક પર પ્રહાર કરતા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ જે પાંચ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી હતી, તેમની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારા અને ગંભીર ખુલાસાઓ સામે આવ્યા છે. એટીએસના ડીઆઇજી સુનિલ જોસીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન સ્પષ્ટ થયું છે કે પકડાયેલા આ પાંચેય આરોપીઓ માત્ર સાધારણ મદદગાર નથી, પરંતુ તેઓ ‘પ્રો-જેહાદી’ વિચારધારાથી સંપૂર્ણપણે પ્રભાવિત છે. તેઓ સક્રિય રીતે આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે.
વડગામના બિલાલ નામના શખ્સની અમદાવાદથી ધરપકડ
સુનિલ જોશીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સુરક્ષા એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકી મોડ્યુલનું કનેક્શન ઉત્તર ગુજરાતના વડગામ અને સિદ્ધપુર સુધી ફેલાયેલું છે. પોલીસ એટીએસ (ATS) એ આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર એવા વડગામના બિલાલ નામના શખ્સની અમદાવાદથી ધરપકડ કરી છે, જે છેલ્લા કેટલાક સમયથી એજન્સીઓના રડાર પર હતો.
બિલાલને ત્રણ વર્ષ પહેલા પેન ડ્રાઇવ અપાઇ હતી
મળતી ચોંકાવનારી વિગતો મુજબ, પકડાયેલા આતંકી બિલાલને આજથી આશરે ત્રણ વર્ષ પહેલાં એક ગુપ્ત ‘પેન ડ્રાઇવ’ આપવામાં આવી હતી.
પેન ડ્રાઇવમાં બોમ્બ બનાવાની પી઼ડીએફ હોવાનો ખુલાસો
આ પેનડ્રાઈવમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા તૈયાર કરાયેલું અત્યંત પ્રતિબંધિત જેહાદી સાહિત્ય, વિડીયો અને ખાસ કરીને ઘરે બેઠા બોમ્બ (IED) કેવી રીતે બનાવવો તેની ફોર્મ્યુલા આપતી પીડીએફ (PDF) ફાઈલો સેવ કરેલી હતી. આ ત્રણ વર્ષ જૂની ડિજિટલ સામગ્રી અને ગાઈડલાઇનની મદદથી આ આતંકીઓ લાંબા સમયથી બોમ્બ બનાવવાનો પ્રયોગ (એક્સપેરિમેન્ટ) કરી રહ્યા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે.
8 અલગ-અલગ જગ્યાઓએ ટેસ્ટિંગ બ્લાસ્ટ પણ કર્યા હતા.
તેમણે કહ્યું કે તેઓ માત્ર પ્લાનિંગ નહોતા કરી રહ્યા, પરંતુ તેઓએ સિદ્ધપુર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અવાવરૂ ઠેકાણાઓ 8 અલગ-અલગ જગ્યાઓએ ટેસ્ટિંગ બ્લાસ્ટ પણ કર્યા હતા. અગાઉ બનાસકાંઠા સરહદેથી શંકાસ્પદ હાલતમાં પકડાયેલા અને પૂછપરછ માટે અમદાવાદ લવાયેલા આ કટ્ટરપંથીઓની વિચારધારા સીધી પાકિસ્તાની આતંકી સંગઠન સાથે મેળ ખાય છે. હાલમાં આ ભયાનક ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં ‘મલ્ટીપલ લોકેશન્સ’ પર મોટા પાયે ગુપ્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં હજુ વધુ ધરપકડ થાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં મોટો વિનાશ વેરવાનું કાવતરું
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ના ડીઆઈજી સુનિલ જોશીએ પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યુલ અંગે અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી સચોટ બાતમીના પગલે વધુ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, જેને પગલે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓનો આંકડો હવે 13 પર પહોંચ્યો છે. આ આતંકીઓ પાકિસ્તાની અને અન્ય ફોરેન હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં રહીને ગુજરાતમાં મોટો વિનાશ વેરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.
નેટવર્કને તોડી પાડવા માટે એટીએસ દ્વારા 3 વિશેષ ટીમો બનાવવામાં આવી
ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે, આ સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે એટીએસ દ્વારા 3 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી, જેનું પૂછપરછ સુપરવિઝન ડીવાયએસપી એસ. એલ. ચૌધરી કરી રહ્યા છે. પકડાયેલા આતંકીઓ પાસે જૈશ-એ-મોહમ્મદનો પ્રચાર કરતા ધાર્મિક અને જેહાદી પુસ્તકો તેમજ તેનો ગુજરાતીમાં અનુવાદ કરેલું સાહિત્ય મળી આવ્યું છે. આ આતંકીઓ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મથી પ્રભાવિત થઈને આતંકી ગતિવિધિઓમાં જોડાયા હતા.
ઓનલાઈન કેમિકલ મંગાવીને બોમ્બ બનાવાનો પ્રયાસ
આરોપીઓ વધુ ભણેલા નથી, પરંતુ ઓનલાઈન કેમિકલ મંગાવીને અને લોખંડની પાઇપનો ઉપયોગ કરીને આઈઈડી જેવા અત્યંત ઘાતક વિસ્ફોટકો બનાવવાનો ગંભીર પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ કેમિકલ અને આ વિસ્ફોટક સામગ્રી પોતાના ઘર અથવા છત પર છુપાવીને રાખતા હતા. છોકરાઓ બહાર ભણતા હોવાથી તેમના પરિવારો પણ આ ખતરનાક ગતિવિધિઓથી તદ્દન અજાણ હતા.
અયુબ કડીવાલ અને અયુબ શેર નામના શખ્સોનો મુખ્ય રોલ
તપાસમાં બહાર આવ્યું છે કે, આતંકીઓ છેલ્લા 3 વર્ષથી અવાવરૂ જગ્યાઓએ જઈને આ પ્રકારના બ્લાસ્ટના ગેરકાયદે પ્રયોગો કરી રહ્યા હતા. બોમ્બ બનાવવાની આખી ફોર્મ્યુલામાં અયુબ કડીવાલ અને અયુબ શેર નામના શખ્સોનો મુખ્ય રોલ હતો. અગાઉ પકડાયેલા આમીન શેરા સાથે પણ આ આરોપીઓ સીધા કનેક્ટેડ હતા. આ ઉપરાંત, અમદાવાદથી ઝડપાયેલા વડગામના બિલાલ આબિદને ત્રણ વર્ષ પહેલા આતંકી પ્રયોગો શીખવા માટે એક ખાસ ‘પેનડ્રાઈવ’ આપવામાં આવી હતી. કોર્ટે નવા પકડાયેલા તમામ 5 આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં હજુ પણ અનેક મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.
