જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશન કામગીરી દરમિયાન એક મોટી અને ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. શહેરના મધ્યમાં આવેલી ઐતિહાસિક અને જર્જરિત જૂની કસ્ટમ હાઉસ બિલ્ડિંગને તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક જ ઉપરનો આખો સ્લેબ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. આ સ્લેબ તૂટી પડતાં જ ઘટનાસ્થળે કામ કરી રહેલા ત્રણ શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેના કારણે કેમ્પસમાં ભારે કિકિયારીઓ અને અફરાતફરી મચી ગઈ હતી.


બિલ્ડિંગનો એક મોટો હિસ્સો અને સ્લેબ ધડાકાભેર નીચે પડ્યા


મળતી માહિતી મુજબ, જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ જર્જરિત સરકારી બિલ્ડિંગને જમીનદોસ્ત કરવા માટેની સત્તાવાર કામગીરી ચાલી રહી હતી. જે સમયે મજૂરો બિલ્ડિંગના એક ભાગને તોડી રહ્યા હતા, ત્યારે કોઈ મજબૂત સેફ્ટી સપોર્ટ વિના જ બિલ્ડિંગનો એક મોટો હિસ્સો અને સ્લેબ ધડાકાભેર નીચે પડ્યા હતા.

યુદ્ધના ધોરણે બચાવ કામગીરી


સ્લેબ તૂટવાની સાથે જ ત્યાં હાજર અન્ય સાથી શ્રમિકો અને મનપાના અધિકારીઓ તુરંત એક્શનમાં આવ્યા હતા. સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરીને કાટમાળ નીચે દબાયેલા ત્રણેય મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં 1 મજૂરની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર બેદરકારી અને દુર્ઘટના બાદ જામનગર મનપા તંત્ર દ્વારા હાલ પૂરતી બિલ્ડિંગ તોડવાની સમગ્ર કામગીરી પર રોક લગાવી દેવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

  • Follow us on: