ગુજરાતના ન્યાયતંત્ર માટે આજનો દિવસ ભારેલા અગ્નિ જેવો રહ્યો છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પણ બોમ્બ હોવાનો નનામો સંદેશ મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. જજ, વકીલો અને મોટી સંખ્યામાં હાજર અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડીને પોલીસ દ્વારા આખા સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું.
અમદાવાદ કોર્ટ સંકુલમાં હડકંપ
ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે. કોર્ટના દરેક ફ્લોર, લોકઅપ એરિયા અને પાર્કિંગમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરત અને અમદાવાદ એમ બે મુખ્ય શહેરોની કોર્ટને એક જ દિવસે નિશાન બનાવવાની ધમકી મળતા આ કોઈ મોટું કાવતરું હોવાની શંકા સેવાઈ રહી છે. હાલમાં બંને સ્થળોએ પોલીસ તપાસ ચાલુ છે અને આ ફેક કોલ હતો કે ખરેખર કોઈ જોખમ છે, તે દિશામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.
