અમદાવાદ શહેરના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ઓક્સિજન પાર્ક પાસે મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કૂખ્યાત ગેંગસ્ટર ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમા બારડ વચ્ચે ફિલ્મી ઢબે ભીષણ અથડામણ (હાફ એન્કાઉન્ટર) થઈ હોવાની સત્તાવાર વિગતો સામે આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી (JCP) શરદ સિંઘલે આ હાઈપ્રોફાઈલ ઓપરેશન અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેને પકડવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનથી અમદાવાદ આવતો હોવાની મળી હતી બાતમી

કૃષ્ણનગર, નરોડા સહિતના વિસ્તારોમાં આતંકનો પર્યાય બનેલો ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો બારડ નરોડા પોલીસ સ્ટેશનના હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી નાસતો-ફરતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ કડી મળી હતી કે, આરોપી ધમો રાજસ્થાનથી પ્રાઈવેટ વાહન મારફતે અમદાવાદમાં પ્રવેશી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ (PI) મેહુલ ચૌહાણ અને તેમની ટીમે સોલા એસ.જી. હાઈવે નજીક આવેલા ઓક્સિજન પાર્ક પાસે વોચ ગોઠવીને તેને આંતર્યો હતો.

ઝપાઝપી દરમિયાન પિસ્તોલમાંથી ગોળી છૂટી, PI મેહુલ ચૌહાણ પણ ઇજાગ્રસ્ત

પોલીસ ટીમે જ્યારે ધમા બારડને દબોચી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે શરણાગતિ સ્વીકારવાને બદલે પોલીસ સ્ટાફ પર હિંસક હુમલો કરી દીધો હતો. ધરપકડથી બચવા માટે ધમા બારડે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી. આ હિંસક ઘર્ષણ દરમિયાન પિસ્તોલમાંથી ફાયરિંગ થતાં ગોળી આરોપી ધમા બારડના પગની આરપાર નીકળી ગઈ હતી. આ અંધાધૂંધ ઝપાઝપીમાં બહાદુરી પૂર્વક આરોપીનો સામનો કરનાર પીઆઈ મેહુલ ચૌહાણ પણ ઇજાગ્રસ્ત થયા હતા.

સોલા સિવિલ હોસ્પિટલમાં ભારે પોલીસ બંદોબસ્ત

અથડામણ બાદ લોહીલુહાણ થયેલા કુખ્યાત આરોપી ધમા બારડને તાત્કાલિક અટકાયતમાં લઈને કડક સુરક્ષા વચ્ચે સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે. બીજી તરફ ઇજાગ્રસ્ત પીઆઈ મેહુલ ચૌહાણને પણ તબીબી સારવાર આપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો.


.https://twitter.com/sandeshnews/status/2058933066048127177


26 ગંભીર ગુનાઓનો હિસ્ટ્રીશીટર, કૃષ્ણનગરમાં જ 18 કેસ

પકડાયેલો આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધામો બારડ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ અમદાવાદ પોલીસ ચોપડે ચડેલો મોટો માથભારે શખ્સ છે. તેની સામે અમદાવાદના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 જેટલા ગંભીર ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે, જેમાં:
  • કૃષ્ણનગર પોલીસ સ્ટેશન: સૌથી વધુ 18 ગુનાઓ (હત્યા, ખંડણી, રમખાણો).
  • અન્ય પોલીસ સ્ટેશનો: બાપુનગર, નિકોલ, નરોડા, ડીસીબી (DCB - ક્રાઇમ બ્રાન્ચ), ડભોડા અને વિવેકાનંદનગરમાં હત્યાનો પ્રયાસ, ધાડ, આર્મ્સ એક્ટ (ગેરકાયદેસર હથિયાર રાખવા) તેમજ પ્રોહિબિશન (દારૂબંધીના કેસો) હેઠળ ગુના નોંધાયા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ ઓપરેશનથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના વેપારીઓ તેમજ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ તેજ કરી છે