અમદાવાદ શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અત્યંત પ્રગતિશીલ અને પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી ‘કોમ્પ્રિહેન્સિવ પોલિસી ૨૦૨૬’ અંતર્ગત હવે જે કોમર્શિયલ એટલે કે વ્યાવસાયિક એકમો નાગરિકોને પોતાની માલિકીની જગ્યામાં તદ્દન નિ:શુલ્ક (ફ્રી) પાર્કિંગની સુવિધા આપશે, તેમને પ્રોપર્ટી ટેક્સમાં (મિલકત વેરામાં) મોટી રાહત અને વેરામાફીનો લાભ આપવામાં આવશે.
વ્યાવસાયિક એકમોને લાભ મળશે
એએમસીના સત્તાવાર પરિપત્ર મુજબ, આ યોજનાનો લાભ શહેરના તમામ શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, હોટલ, હોસ્પિટલ, પાર્ટી પ્લોટ, જીમ્નેશિયમ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નેશનલ કે સ્ટેટ હાઈ-વે અને રીંગ રોડ પર આવેલા તમામ રહેણાંક સિવાયના વ્યાવસાયિક એકમોને મળશે. આ એકમોએ પોતાના પાર્કિંગ એરિયામાં વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવાનો રહેશે નહીં. જેટલા ક્ષેત્રફળમાં ફ્રી પાર્કિંગ અપાશે, તેટલા ભાગ પૂરતી પ્રોપર્ટી ટેક્સમાં માફી મળશે. આ માટે ક્ષેત્રફળની ગણતરી 1 ECS (1 Equivalent Car Space = ૧૩.૭૫ ચોરસ મીટર) મુજબ કરવામાં આવશે.
સંમતિ પત્રક ભરીને ફ્રી પાર્કિંગ
જોકે, વેરામાફીનો લાભ મેળવવા માટે કોર્પોરેશને કેટલીક કડક શરતો પણ મૂકી છે. આ અંતર્ગત વ્યાવસાયિક એકમોએ AMCની સત્તાવાર વેબસાઈટ પર સંમતિ પત્રક ભરીને ફ્રી પાર્કિંગની જાહેરાત કરવી પડશે. સૌથી મહત્વની શરત એ છે કે, દરેક એકમે પોતાના પાર્કિંગ મેનેજમેન્ટ માટે એક જવાબદાર વ્યક્તિની નિમણૂક કરવી પડશે, જેણે કોર્પોરેશનની અધિકૃત ‘AmadaPark Application’ માં વાહનોની રિયલ ટાઇમ (લાઇવ) એન્ટ્રી કરવાની રહેશે. આનાથી સામાન્ય વાહનચાલકો રસ્તા પરથી જ ડિજિટલી જાણી શકશે કે કયા મોલ કે હોસ્પિટલમાં પાર્કિંગ સ્પેસ ખાલી છે.
ગેરકાયદેસર પાર્કિંગના દબાણો ઘટશે
જે એકમો આ એપનો ઉપયોગ નહીં કરે અથવા છૂપી રીતે ચાર્જ વસૂલશે તેમને આ ટેક્સ માફીનો લાભ નહીં મળે. આ ઉપરાંત, જે એકમો આ યોજનાનો લાભ લેવા નથી માંગતા, તેમણે પણ પોતાની પાર્કિંગ જગ્યા પર નિયત ટેક્સ ભરાય તે માટે 60 દિવસની અંદર કોર્પોરેશનની વેબસાઈટ પર સેલ્ફ-એસેસમેન્ટ મોડ્યુલ દ્વારા ફરજિયાત અરજી કરવાની રહેશે. એએમસીની આ નવી પહેલથી રસ્તાઓ પર થતા ગેરકાયદેસર પાર્કિંગના દબાણો ઘટશે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે.
આ પણ વાંચો---- Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશું