સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કોર્ટની કાર્યવાહી દરમિયાન કરવામાં આવેલી એક કથિત ટિપ્પણી બાદ શરૂ થયેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવનાર 'CJP' એટલે કે 'કોકરોચ જનતા પાર્ટી' વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે સંમત થઈ ગઈ છે. જોકે, કોર્ટે આ સુનાવણી માટે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરી નથી. સીજેઆઈ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કોઈ તાત્કાલિક સુનાવણીની જરૂર જણાતી નથી.
વકીલોને વધુ પડતા ભાવુક ન થવાની સલાહ આપી
સોમવારે આ મામલે કોર્ટમાં થયેલી ચર્ચા દરમિયાન એડવોકેટ એન.કે. ગોસ્વામીએ ન્યાયપાલિકાની છબી ખરાબ થઈ રહી હોવાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના પર સીજેઆઈએ વકીલોને વધુ પડતા ભાવુક ન થવાની સલાહ આપી હતી. આ અરજીમાં કોર્ટની મૌખિક ટિપ્પણીઓનો વ્યાવસાયિક ફાયદા માટે ઉપયોગ કરનારાઓ સામે પગલાં લેવાની અને દેશમાં નકલી ડિગ્રીના આધારે વકાલાત કરી રહેલા 'બોગસ વકીલો'ની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.
શું હતો સમગ્ર વિવાદ?
ગયા અઠવાડિયે સુનાવણી દરમિયાન સીજેઆઈએ નકલી ડિગ્રીધારકોની સરખામણી કરતાં કહ્યું હતું કે, "કેટલાક યુવાનો 'કોકરોચ' (વંદા) જેવા હોય છે, જેમને કોઈ રોજગાર નથી મળતો એટલે તેઓ સોશિયલ મીડિયા કે આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા શરૂ કરી દે છે." આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી' ટ્રેન્ડ થવા લાગ્યું હતું અને એવો આક્ષેપ થયો હતો કે સીજેઆઈએ દેશના બેરોજગાર યુવાનોનું અપમાન કર્યું છે.
સત્તાવાર સફાઈ આપી હતી
જોકે, વિવાદ વ્યાપક બનતા સીજેઆઈ સૂર્યકાંતે પોતે આ મામલે સત્તાવાર સફાઈ આપી હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. તેમણે માત્ર નકલી ડિગ્રી લઈને કાળો કોટ પહેરતા અને મીડિયામાં ઘૂસી ગયેલા પરજીવીઓ (પેરાસાઈટ્સ) પર નિશાન સાધ્યું હતું, નહીં કે દેશના મહેનતુ યુવાનો પર. તેમને ભારતના ભવિષ્ય સમાન યુવાધન પર પૂરો ગર્વ છે.
આ પણ વાંચો---- NEET વિવાદમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને NTAને ફટકારી નોટિસ, એજન્સીના વિસર્જન અને ફરીથી પરીક્ષાની માગ