દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા (NEET-UG)ના પરિણામો અને પેપર લીકના વિવાદો વચ્ચે એક ખુબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે દેશની પ્રતિષ્ઠિત પરીક્ષાઓ લેતી સંસ્થા 'નેશનલ ટેસ્ટિંગ એજન્સી' (NTA) અને કેન્દ્ર સરકારને એક કડક નોટિસ ફટકારી છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલે દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓ પર કેન્દ્ર અને NTA પાસે તાત્કાલિક અને સવિસ્તાર જવાબ માંગ્યો છે.
'યુનાઇટેડ ડોક્ટર્સ ફ્રન્ટ' દ્વારા દાખલ
આ મહત્વપૂર્ણ અરજી દેશના જાણીતા તબીબોના સંગઠન 'યુનાઇટેડ ડોક્ટર્સ ફ્રન્ટ' દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માત્ર પરીક્ષાની ગેરરીતિઓની તપાસ કરવાની જ વાત નથી, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમતી NTA સંસ્થાના કાયમી વિસર્જન કરવા સુધીની આકરી માંગણી કરવામાં આવી છે. દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સમગ્ર પ્રક્રિયાથી ભારે આક્રોશમાં છે, ત્યારે સુપ્રીમ કોર્ટની આ નોટિસ ખુબ અગત્યની માનવામાં આવે છે.
ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ સમિતિની રચના કરવા માગ
યુનાઇટેડ ડોક્ટર્સ ફ્રન્ટ વતી દાખલ કરાયેલી અરજીમાં વધુમાં જણાવાયું છે કે, પરીક્ષાઓની પારદર્શિતા સંપૂર્ણપણે જોખમાઈ છે. આથી, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ (પૂર્વ) ન્યાયાધીશની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ સમિતિની રચના કરવામાં આવે. આ સમિતિની સીધી દેખરેખ હેઠળ, કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના, સમગ્ર દેશમાં નવેસરથી (ફરીથી) પરીક્ષા યોજવામાં આવે જેથી લાયક અને મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળે
સમગ્ર દેશની નજર
સુપ્રીમ કોર્ટે આ મામલાની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકાર અને NTAને પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે. હવે આગામી સુનાવણીમાં કેન્દ્ર સરકાર અને NTA કોર્ટ સમક્ષ શું ખુલાસો કરે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
આ પણ વાંચો---- West Bengal : મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો આદેશ, ગેરકાયદે બાંગ્લાદેશીઓને કોર્ટ નહીં, સીધા BSFને આપી દો
