પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માટે એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યમાં જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસી પકડાશે, તો તેને કોર્ટમાં રજૂ કરવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. પોલીસ અને રેલવે સુરક્ષા દળ તેને સીધા બોર્ડર પર સીમા સુરક્ષા દળ BSFને સોંપી દેશે, જેથી તેને તાત્કાલિક બાંગ્લાદેશ પરત મોકલી શકાય. આ નવો આદેશ 20 મેથી જ સમગ્ર બંગાળમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.
પહેલાં જમાડવામાં આવશે, પછી સીધા બોર્ડર પાર
હાવડા ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ અને RPFને આ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જો હાવડા સ્ટેશન કે રાજ્યના કોઈપણ ખૂણે કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિક પકડાશે અને જો તે CAA નાગરિકતા સંશોધન અધિનિયમ) હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માટે હકદાર નહીં હોય, તો તેને કોર્ટમાં લઈ જઈને સમય બગાડવામાં નહીં આવે. માનવતાના ધોરણે તેને પહેલાં બરાબર જમાડવામાં આવશે અને ત્યારબાદ સીધા ઉત્તર 24 પરગણા જિલ્લાના બશીરહાટ બોર્ડર અથવા પેટ્રાપોલ બોર્ડર પર લઈ જઈને BSFને સોંપી દેવાશે, જ્યાંથી BSF તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરશે. આ ઉપરાંત, દર અઠવાડિયે આવા પકડાયેલા લોકોનો રિપોર્ટ ડીજીપીમારફતે સીધો મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને મોકલવાનો રહેશે.
