વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સામે કાયદાનો સિંકજો કસાતા વડોદરા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ અને તેના અન્ય ચાર મિત્રો સામે ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યના પુત્ર પર સામાન્ય નાગરિક સાથે મારામારી અને હુમલો કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે.

ડીઝલ ચોરીની શંકા રાખી આચર્યો ખૂની ખેલ

મળતી વિગતો અનુસાર, સમગ્ર વિવાદ ડીઝલ ચોરીના આક્ષેપ સાથે શરૂ થયો હતો. ફરિયાદી નટવર વસાવા અને ગિરીશ વસાવા નામના બે વ્યક્તિઓ પર ધારાસભ્યના પુત્ર અને તેની ટોળકીએ ડીઝલ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ આક્ષેપ સાથે ફરિયાદીઓને કરજણના બકાપુર ખાતે આવેલી ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા અથવા ત્યાં ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યાં ધારાસભ્યના પુત્ર રિશી પટેલે તેના મિત્રો સાથે મળીને નટવર વસાવા અને ગિરીશ વસાવાને ઢોર માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભોગ બનનાર પરિવારે આ મામલે ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા.

નવી BNS અને BNSS કલમો હેઠળ ગુનો દાખલ

આ હાઈપ્રોફાઈલ મામલાની ગંભીરતાને જોતાં કરજણ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ધારાસભ્યના પુત્ર સહિત તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 હેઠળ સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કરજણ પોલીસે ધારાસભ્યના પુત્ર રિશી પટેલ ઉપરાંત તેની સાથે સામેલ અન્ય ચાર મિત્રો (1) જયદ્રથ બાપુ, (2) સાહિલ પટેલ, (3) જાવેદ પઠાણ અને (4) વિજયભાઈ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધી છે. સત્તાધારી પક્ષના ધારાસભ્યના પુત્રનું નામ હોવા છતાં પોલીસે ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે કરજણ પંથકમાં ભારે ચર્ચા જાગી છે.


આ પણ વાંચો-----     Gandhinagar : ડાર્ક વેબથી UK જેલ સુધી કનેક્શન, 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ચોંકાવનારો ધડાકો