ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરાયેલા ₹226 કરોડના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની સામાન્ય તપાસથી શરૂ થયેલી ગુજરાત પોલીસની આ ટેક્નિકલ મિશન આખરે અમદાવાદથી લઈને સીધી યુકે સુધી ફેલાયેલા આતંકી ભંડોળના મસમોટા રેકેટ સુધી પહોંચી ગઈ છે.
એક આઈપી એડ્રેસ અને ડ્રગ્સ વેન્ડરે ખોલ્યા રાઝ
આ હાઈટેક કેસના મૂળ સુધી કેવી રીતે પહોંચાયું તે અંગે કેસ ઉકેલનારા આઈપીએસ અધિકારી રાજદીપસિંહ ઝાલાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, પોલીસ ડાર્ક વેબ પર સક્રિય ડ્રગ્સ કારોબારના શંકાસ્પદ IP એડ્રેસ પર સતત વોચ રાખી રહી હતી. આ દરમિયાન artemislabs.cc નામની વેબસાઈટ સાથે જોડાયેલા એક ડ્રગ્સ વેન્ડરના ક્રિપ્ટો ટ્રાન્જેક્શન પોલીસના રડારમાં આવ્યા. આ વેન્ડર દ્વારા 10 અલગ-અલગ ક્રિપ્ટો વોલેટમાં ફંડ ટ્રાન્સફર થતું હતું. ટેક્નિકલ એનાલિસિસ દરમિયાન જાણવા મળ્યું કે આમાંથી 9 વોલેટ વિદેશી હતા, પરંતુ 1 વોલેટ ભારતનું હતું.
અમદાવાદના દાણીલીમડાથી મળ્યો પહેલો મોટો બ્રેકથ્રૂ
પોલીસે જ્યારે ભારતના એ એકમાત્ર વોલેટનું KYC અને ડિજિટલ ડેટા તપાસ્યો, ત્યારે તે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા મોહસીન મુલાનીનું હોવાનું બહાર આવ્યું. મોહસીનની ધરપકડ બાદ પૂછપરછમાં આખું નેટવર્ક ખૂલતું ગયું. આ નેટવર્ક સીધું અને આડકતરી રીતે મોહંમદ ઝુબેર પોપટીયા મારફતે સંચાલિત થતું હોવાનું સામે આવ્યું. વધુ તપાસમાં બહાર આવ્યું કે આ આખા ખેલનો મુખ્ય સૂત્રધાર 'સલમાન' નામનો આરોપી છે, જે હાલમાં UKની જેલમાં બંધ છે! સલમાન ત્યાંની જેલમાંથી જ હવાલા અને આંગડિયા મારફતે ભારતમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો.
મોનેરો વોલેટ અને ઈઝરાયલ કનેક્શનથી ખળભળાટ
મોહસીન મુલાનીના ક્રિપ્ટો ટ્રાન્જેક્શનની ઊંડી તપાસમાં તેની સાથે અન્ય 8 એકાઉન્ટ જોડાયેલા મળ્યા, જેમાં એક ગુપ્ત 'મોનેરો વોલેટ' પણ હતું. આ વોલેટમાં એક જ સમયમાં 56 હજાર ડોલર (આશરે ₹46 લાખથી વધુ) ટ્રાન્સફર થયા હતા. ત્યારબાદ કડીઓ જોડતા 9 અન્ય ભારતીય વોલેટ સામે આવ્યા, જેમાં મોહંમદ ઝુબેર પોપટીયાનું વોલેટ સૌથી વધુ શંકાસ્પદ હતું. જ્યારે ઝુબેરના વોલેટનું એનાલિસિસ કરાયું, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે ઈઝરાયલમાં MBCTA (ગેરકાયદેસર ફંડિંગ વિરોધી સંસ્થા) દ્વારા સીઝ કરાયેલા આતંકી વોલેટમાંથી સીધા જ ઝુબેરના ખાતામાં ફંડ આવતું હતું!
અમેરિકા અને ઈઝરાયલની એજન્સીઓ પણ તપાસમાં સામેલ
પોલીસે આ મામલે સલમાનના પિતા ગુલામઅલી અંસારીની પણ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસ મુજબ વર્ષ 2023-24 દરમિયાન આ નેટવર્ક દ્વારા આશરે બે કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. એટલું જ નહીં, આરોપીઓ 2021 પહેલા Western Union જેવી MTSS સિસ્ટમથી પણ ફંડ મેળવતા હતા અને 2016થી 2021 વચ્ચે 9 દેશો સાથે આશરે 80 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા છે. આ નેટવર્કના તાર અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ઈઝરાયલની નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલા ક્રિપ્ટો ક્લસ્ટર સાથે સીધા જોડાયેલા છે, જેને પગલે હવે વૈશ્વિક સ્તરે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ પણ વાંચો---- Gujarat Policeનું ઓપરેશન મિલાપ, માત્ર 15 દિવસમાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા