ગુજરાતમાં મિલકત ટ્રાન્સફર અને ખરીદ-વેચાણના નિયમોને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. વર્ષોથી જાણીતા 'અશાંતધારા' કાયદાને લઈને સરકારે વિસ્તૃત નિયમો સાથેનું નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવા નિયમો મુજબ, હવે કાયદાકીય પ્રક્રિયામાં 'અશાંતધારા' શબ્દના સ્થાને 'સ્પેસિફાઈડ એરિયા' એટલે કે નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર શબ્દનો સત્તાવાર ઉપયોગ કરવામાં આવશે.
નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ
કમિટીની રચના અને નવી વ્યાખ્યા: નવા નોટિફિકેશન મુજબ, હવે રાજ્યમાં એક 'મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટી'ની રચના કરવામાં આવશે. આ કમિટીની સલાહ અને ભલામણના આધારે જ કોઈપણ વિસ્તારને 'સ્પેસિફાઈડ એરિયા' (વિશિષ્ટ વિસ્તાર) જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, આ કાયદા અંતર્ગત ભોગ બનનાર વ્યક્તિ માટે 'પર્સન અગ્રીવડ' (પીડિત વ્યક્તિ) શબ્દપ્રયોગ નક્કી કરાયો છે. જે વિસ્તારોમાં સામૂહિક સ્થળાંતરની સંભાવના હશે, તેને પણ સ્પેસિફાઈડ એરિયા જાહેર કરી શકાશે.
મિલકત વેચાણ પર કડક મોનિટરિંગ અને SIT ગઠન
વિશિષ્ટ વિસ્તારોમાં મિલકતના ખરીદ-વેચાણ કે ટ્રાન્સફર બાબતે હવે સીધી કલેક્ટર કક્ષાએ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે. કોઈપણ વિસ્તારમાં કોમી તણાવ કે શાંતિ ભંગની સ્થિતિ સર્જાઈ હોય, તો ત્યાં તપાસ કર્યા બાદ જ મિલકત વેચાણની અંતિમ મંજૂરી આપવામાં આવશે. આ તપાસ પ્રક્રિયા માટે ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવશે.
ગેરકાયદે ટ્રાન્સફર પર ત્વરિત એક્શન
જો કોઈ મિલકત ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવશે, તો તે ટ્રાન્સફરને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે. આ સાથે જ, આવા કિસ્સાઓમાં આગામી 6 મહિનાની અંદર જ રકમ પરત ચૂકવીને મૂળ માલિકને મિલકતનો કબજો પરત સોંપવાનો કડક નિયમ પણ નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી જમીન માફિયાઓ અને ગેરકાયદે સોદા કરનારાઓ પર મોટી લગામ કસાશે.
આ પણ વાંચો---- Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!
