ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી ખૂબ જ રાહતભર્યા અને સારા સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં આગળ વધી રહેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે આખરે ગુજરાતના ઉંબરે આવીને ઊભું રહી ગયું છે. સત્તાવાર આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 24 જૂનના રોજ ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં દસ્તક દેશે.


ચોમાસાની પ્રગતિ એકદમ સાનુકૂળ અને તેજ ગતિએ

હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રગતિ એકદમ સાનુકૂળ અને તેજ ગતિએ ચાલુ છે. આજે જ ચોમાસું દેશની આર્થિક રાજધાની મુંબઈથી આગળ વધી ચૂક્યું છે અને તે ઝડપથી ગુજરાત તરફ આગળ ધસી રહ્યું છે. 
દક્ષિણ ગુજરાતમાં 'યલો એલર્ટ'
આ સિસ્ટમ સક્રિય થવાના કારણે આજે જ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની શરૂઆત થઈ શકે છે, જેને પગલે તંત્ર દ્વારા દક્ષિણ ગુજરાતમાં 'યલો એલર્ટ' પણ જારી કરવામાં આવ્યું છે.

અસલી ધમાકેદાર ઇનિંગ આવતીકાલથી શરૂ 

આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 મીમી સુધી હળવો વરસાદ પડવાની સંભાવના છે. જોકે, અસલી ધમાકેદાર ઇનિંગ આવતીકાલથી શરૂ થશે. આગામી ૨ થી ૩ દિવસની અંદર આ મેઘરાજાની સવારી ગુજરાતના ઘણા ભાગોને આવરી લેશે અને આગામી એક અઠવાડિયાની અંદર ગુજરાતનો અડધાથી વધુ ભાગ ચોમાસાના વરસાદથી તરબતર થઈ જશે તેવી પાકી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સારા સમાચારથી જગતનો તાત ગણાતો ખેડૂત વર્ગ પણ વાવણી લાયક વરસાદની આશાએ હરખાઈ ઉઠ્યો છે.

  • Follow us on: