સુરતમાં આજે વહેલી સવારે એક ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી છે. શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસ (Regional Passport Office) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે આ ધમકી આપવામાં આવી છે.


ઉમરામાં પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકી

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે 5 વાગ્યે પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર એક મેઈલ મળ્યો હતો. આ ઈ-મેઈલ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો અને તેમાં ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઓફિસ ખુલતાની સાથે જ આ ગંભીર બાબત સામે આવતા તંત્રમાં ફફડાટ ફેલાયો હતો.

પોલીસ અને બોમ્બ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન

ધમકીભર્યા મેઈલની જાણ થતા જ ઉમરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તાત્કાલિક ધોરણે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. આખી ઓફિસના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. ઓફિસમાં હાજર કર્મચારીઓ અને મુલાકાતીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાયબર સેલની તપાસ તેજ

બીજી તરફ, સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ ઈ-મેઈલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તેની તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ માત્ર કોઈનું તોફાન છે કે કોઈ મોટું કાવતરું, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Surat: આરોગ્ય વિભાગના દરોડામાં ચોંકાવનારો ખુલાસો; દૂધ અને બ્રાન્ડેડ ઘીના સેમ્પલ ટેસ્ટમાં નિષ્ફળ, કાર્યવાહીનો ધમધમાટ

  • Follow us on: