ડાયમંડ સિટી સુરતમાં ખાણી-પીણીના શોખીન લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા દૂધ અને ઘીના નમૂનાઓ લેબોરેટરી તપાસમાં 'સબ-સ્ટાન્ડર્ડ' (હલકી ગુણવત્તાના) જાહેર થયા છે. આ રિપોર્ટ બાદ પાલિકાએ સંબંધિત દુકાનદારો અને પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.


દૂધમાં પોષક તત્વોની ઉણપ

પાલિકાના ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ શહેરના વિવિધ ડેરી ફાર્મ અને વિક્રેતાઓ પાસેથી ગાય અને ભેંસના દૂધના સેમ્પલ લીધા હતા. લેબોરેટરી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 3 ગાયના અને 2 ભેંસના દૂધના નમૂનાઓ નિર્ધારિત સ્ટાન્ડર્ડ મુજબના નથી. આ નમૂનાઓમાં ખાસ કરીને મિલ્ક ફેટ (Milk Fat) અને એસ.એન.એફ. (SNF) નું પ્રમાણ સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણો કરતા ઘણું ઓછું મળી આવ્યું છે.

બ્રાન્ડેડ ઘી પણ શંકાના દાયરામાં

માત્ર ખુલ્લું દૂધ જ નહીં, પરંતુ સુરતના બજારોમાં વેચાતા જાણીતી બ્રાન્ડના ઘીના સેમ્પલ પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. પેકેજ્ડ અને બ્રાન્ડેડ વસ્તુઓમાં પણ ગુણવત્તા જળવાતી ન હોવાનું સામે આવતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે. શુદ્ધતાના નામે ઊંચા ભાવ વસૂલતી કંપનીઓ લોકોના આરોગ્યને જોખમમાં મૂકી રહી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

પાલિકાની લાલ આંખ

રિપોર્ટ નિષ્ફળ આવતા જ પાલિકાના આરોગ્ય વિભાગે સંબંધિત ડેરીઓ અને વેપારીઓને નોટિસ ફટકારી છે. આગામી દિવસોમાં આ એકમો સામે દંડનીય કાર્યવાહી અને લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Kutch: આદિપુર GIDCમાં 120 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા, પોલીસ છાવણીમાં ફેરવાયો વિસ્તાર

  • Follow us on: