કચ્છના આદિપુરમાં આજે સવારથી જ મનપા (મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા દબાણ હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવી છે. શહેરના વ્યસ્ત GIDC વિસ્તારમાં લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ગઈકાલે સ્થાનિકોના ભારે વિરોધ અને મનપાના ઘેરાવ બાદ આજે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરી છે.

GIDC વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર

મનપા દ્વારા કરવામાં આવેલી આ મેગા ડ્રાઈવમાં અંદાજે 100થી 120 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા છે. GIDC વિસ્તારમાં રસ્તા નડતરરૂપ કેબિનો, કાચા-પાકા બાંધકામો અને ગેરકાયદે ઓટલાઓને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ કામગીરીને પગલે વર્ષોથી કબજો જમાવી બેઠેલા દબાણકર્તાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

તમામ વિભાગોનો સમન્વય

આ કાર્યવાહી માત્ર મનપા પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેની સાથે PGVCL (વીજ વિભાગ), આરોગ્ય વિભાગ અને પોલીસ કાફલો પણ જોડાયો હતો. PGVCL દ્વારા ગેરકાયદે વીજ જોડાણો કાપવાની તજવીજ હાથ ધરાઈ હતી, જ્યારે આરોગ્ય વિભાગે સ્વચ્છતાના મુદ્દે તપાસ કરી હતી. કોઈપણ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

ગઈકાલના વિરોધ બાદ કડક વલણ

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દબાણ હટાવવાની નોટિસ મળતા મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો. જોકે, તંત્રએ નમતું જોખવાને બદલે આજે વહેલી સવારથી જ બુલડોઝરો સાથે ઓપરેશન શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: Rajkot: સિવિલ હોસ્પિટલમાં શ્વાનનો આતંક, દર્દીઓ અને સગાઓમાં ફફડાટ