રાજ્યમાં ચોમાસું પુરા જોશમાં સક્રિય થતાં ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્ય માટે આકરી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સાંજે 7:00 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદી-નાળા ઉભરાયા છે અને પરિસ્થિતિ ગંભીર બની રહી છે. બીજી તરફ સુરતમાં આજે રાત્રે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને વહેલી તકે ઘરે પહોંચી જવા અપીલ કરવામાં આવી છે.
[[$googlead]]
રાત્રિના 9:30 વાગ્યા પછી ઘરની બહાર કોઈએ ન નીકળવા અપીલ કરી
મનપાના કમિશ્રર એમ.નાગરજને સંદેશ ડિજિટલને જણાવ્યું હતું કે, સુરત શહેરમાં મોડી રાત્રે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકોને રાત્રે 9 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવા અપીલ કરવામાં આવી છે. રાત્રે 9.30 પછી લોકોને બહાર નહીં નીકળવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આજે રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વખતે ગત વખત કરતાં પણ વધારે વરસાદ ખાબકે તેવી સંભાવનાઓ છે.
ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ જલ્દી બંધ કરવા અપીલ
બીજી તરફ શહેરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ડાયમંડ અને ટેક્સટાઈલ માર્કેટને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે આ વખતે તંત્ર દ્વારા આ માર્કેટને પણ વહેલી તકે બંધ કરવા અપીલ કરાઈ છે. સુરત મહાનગર પાલિકા દ્વારા લોકોને સાવચેતી રાખવા અને ઝડપથી ઘરે પહોંચી જવા અપીલ કરાઈ છે. શહેરમાં ભારે વરસાદને પગલે ખાડીમાં પૂર આવ્યું છે. પૂરના પાણી અનેક સોસાયટીઓમાં ભરાઈ ગયાં છે. જેના કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો છે.
FOSTAના પ્રમુખ કૈલાશ હકીમનું નિવેદન
સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ અને ડાયમંડ માર્કેટને બંધ કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેને લઈને FOSTAના પ્રમુખ કૈલાશ હકીમે સંદેશ ડિજિટલને જણાવ્યું હતું કે,, પ્રશાસન દ્વારા અમને અપીલ કરવામાં આવી છે કે આજે રાત્રે ભારે વરસાદની આગાહી હોવાથી માર્કેટ ઝડપથી બંધ કરો. જેને લઈને અમે તમામ વેપારીઓને સાવચેત કર્યા છે. ગત વખતે જે વરસાદ પડ્યો હતો તેને લઈને ખાડી પૂરનું જોખમ ઉભુ થયું અને તેમાં વેપારીઓના માલનું કરોડો રૂપિયાનું નુકસાન થયુ હતું. જેથી આજે અમને મળેલી ચેતવણીને પગલે અમે બેઝમેન્ટમાં કોઈ સામાન કે વાહનો મુકાવ્યા નથી. ગ્રાઉન્ડ ફ્લોર પર પણ જે વેપારીઓનો સામાન હતો તેને પણ પહેલા માળ પર મુકવા માટે સૂચના આપી દીધી છે. આજે સવારે ખાડીનું સ્તર 7.30 મીટર હતું. જે અત્યારે હાલમાં 8.30 મીટર પર પહોંચ્યું છે. કર્મચારીઓ પણ દૂર દૂરથી આવતા હોવાથી તેઓ પાણીમાં ફસાય નહીં તે માટે તેમને પણ ઘરે જવા માટે સૂચના આપવામાં આવી છે.
મનપાની અપીલને પગલે ડાયમંડ માર્કેટમાં સૂચના આપી
સુરતમાં હીરા ઉદ્યોગના આગેવાન દિનેશભાઈ નાવડિયાએ સંદેશ ડિજિટલને જણાવ્યું હતું કે, ગત વખતે જે વરસાદ પડ્યો તેમાં માર્કેટના કારીગરો સહિતના લોકો ફસાઈ ગયા હતાં. લોકોના વાહનો પાણીમાં ડૂબી જવાથી ભારે નુકસાન થયું હતું. બીજું કે માર્કેટમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલીક મશીનરીને પણ નુકસાન થયું હતું. જેથી આજે સાવચેતીના ભાગરૂપે સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મને ફોન કરીને કહ્યું હતું કે, આજે રાત્રે ભારે વરસાદની આગાહી છે તો પ્રિકોશનના ભાગ રૂપે માર્કેટ ઝડપથી બંધ કરવા અપીલ કરવી. તેમના ફોન બાદ માર્કેટમાં તમામને સૂચના આપવામાં આવી હતી અને કારગીરોને ઝડપથી ઘરે જવા અપીલ કરવામાં આવી હતી. ખાડીમાંથી પાણી આવે છે અને શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેના કારણે લોકોને પોતાના ઘરે પહોંચવામા તકલીફ પડે છે. જેથી આગાહીને પગલે અગાઉથી જ સાવચેતી દાખવવામાં આવી છે. હવે વરસાદ આવે કે ના આવે પણ સુરક્ષિત રીતે લોકો ઘરે પહોંચી જાય તે મહત્વનું છે.
આ પણ વાંચોઃ Navsari News: બીલીમોરા શહેરમાં 200 ઘર પૂરના પાણીમાં ગરકાવ, 30થી વધુ લોકોનું રેસ્ક્યુ