નવસારીના બીલીમોરા શહેરમાં ભારે વરસાદ અને પૂરના સંકટના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.શહેરના દેસરા વિસ્તારમાં આશરે 200થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થિતિ ગંભીર બની છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને SDRFની ટીમ દ્વારા દેસરા,રામજી મંદિર અને મેમણ કોલોની જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં બોટ મારફતે ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.SDRFની ટીમે પૂરના પાણીમાં ફસાયેલા 30થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢીને બીલીમોરા ખાતેના આશ્રયસ્થાને ખસેડ્યા છે.

ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પૂરનું સંકટ ઘેરાયું
નવસારી શહેરમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પૂરનું સંકટ ઘેરાયું છે અને નદી 20 ફૂટની ભયજનક સપાટીએ વહી રહી છે.સાંજના સમય બાદ શહેરમાં પૂરના પાણી પ્રવેશે તેવી પૂરેપૂરી શક્યતા હોવાથી વહીવટી તંત્ર પૂરેપૂરું એલર્ટ મોડ પર આવી ગયું છે.તંત્ર દ્વારા લાઉડસ્પીકર મારફતે જાહેર ચેતવણી આપીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ધોરણે સતર્ક રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું
નવસારી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.ખાસ કરીને બીલીમોરા શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે.બીલીમોરાના વાડિયા શીપયાર્ડ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં આશરે 150 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.સ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા વાડિયા શીપયાર્ડના અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કાવેરી નદીના પાણી ભરાવાના શરૂ થઈ ગયા
નવસારીના ચીખલી તાલુકાના હોન્ડ ગામે પણ કાવેરી નદીના પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે.જેના કારણે હોન્ડ ગામથી ભાટિયા ફળિયાને જોડતો મુખ્ય રસ્તો વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયો છે. પૂરનું જોખમ વધતાં સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ઘટના સ્થળે મામલતદાર, તલાટી અને આરોગ્ય વિભાગની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે અને રાહત-બચાવ કાર્યો માટે તૈનાત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલનો રમૂજભર્યો અંદાજ, ‘2047માં અમારામાંથી ઘણા નહીં હોય, પણ હર્ષભાઈ તો હશે જ', Video









