ગુજરાતના આદિવાસી બેલ્ટના સૌથી ચર્ચિત અને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય મોરચે ખૂબ જ માઠા સમાચાર આવ્યા છે. નર્મદા જિલ્લાની રાજપીપળા સેસન્સ કોર્ટે આજે વર્ષ ૨૦૨૩ ના અંતમાં નોંધાયેલા ફોરેસ્ટ કર્મચારી પર હુમલા, સરકારી ફરજમાં રૂકાવટ અને ખંડણી સહિતની ગંભીર કલમો વાળા કેસમાં પોતાનો આખરી ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખીને ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત તમામ 9 આરોપીઓને કલમ ૩૩૨, ૫૦૬(૨) અને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવી ૭ વર્ષની સખત જેલની સજા ફટકારી છે.


શું હતો સમગ્ર વિવાદ અને કેસ?


આ કેસની વિગત એવી છે કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન પર ખેતી કરવા અને અન્ય વન્ય વિવાદો બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. આરોપ મુજબ ત્યાં ફોરેસ્ટ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ધમકાવવા માટે હવામાં લાઈવ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ મામલે લાંબો સમય ચૈતર વસાવા જેલમાં પણ રહ્યા હતા અને બાદમાં શરતી જામીન પર મુક્ત થયા હતા, જેમાં હવે કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે.

ધારાસભ્ય પદ ગુમાવવાની નોબત

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ની કલમ ૮(૩) ના નિયમ અનુસાર, જો કોઈ પણ સંસદ સભ્ય (MP) કે ધારાસભ્યને (MLA) કોઈ ગુનામાં ૨ વર્ષ કે તેથી વધુ વર્ષની સજા થાય, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરે રદ થઈ જાય છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને ૭ વર્ષની મોટી સજા કરી હોવાથી કાયદેસર રીતે તેમનું ધારાસભ્ય પદ હવે રદ થવા પાત્ર છે. હવે ચૈતર વસાવાની રાજકીય કારકિર્દીનો દારોમદાર હાઇકોર્ટ પર છે. જો ગુજરાત હાઇકોર્ટ તેમની સજા પર (ખાસ કરીને લોકપ્રતિનિધિ તરીકે દોષિત ઠરવાના ચુકાદા પર) સ્ટે ન આપે, તો ચૈતર વસાવાએ ધારાસભ્ય પદ ગુમાવવું પડશે અને ડેડીયાપાડા બેઠક ખાલી જાહેર કરી ત્યાં પેટાચૂંટણી યોજવી પડશે.
  • Follow us on: