સુરતમાં મેટ્રો અને ફ્લાયઓવર બ્રિજના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, ત્યારે બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ઘટના રેલવે ગોડાઉન બ્રિજ પરથી સામે આવી છે. અહીં નિર્માણાધીન બ્રિજના બે મજબૂત પિલર વચ્ચે ગોઠવવામાં આવેલો ગડરનો આખેઆખો ભાગ અચાનક એક તરફ નમી પડ્યો હતો. કરોડોના ખર્ચે બનતા બ્રિજનો આટલો મોટો હિસ્સો નમી જતાં આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો હતો. તંત્રએ તાત્કાલિક એક્શનમાં આવીને અકસ્માત સર્જાય તે પહેલાં આ નમી પડેલા આખા સ્ટ્રક્ચરને તોડી પાડી કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી.
અધિકારીઓનો બચાવ અને લોકોની આશંકા
આ ઘટનાના લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થતાં જ સુરતના નગરજનો અને વિપક્ષ દ્વારા તંત્ર સામે આકરા પ્રહારો શરૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અધિકારીઓનું સત્તાવાર રીતે કહેવું છે કે આ કોઈ અકસ્માત કે દુર્ઘટના નથી, પરંતુ બ્રિજની ડિઝાઇન સેન્સ (ડિઝાઇન ચેન્જ) બદલવાની હોવાથી એન્જિનિયરિંગ પ્લાન મુજબ આ ભાગ સ્વેચ્છાએ તોડવામાં આવ્યો છે.










