જામનગરમાં આમ આદમીની સભા દરમિયાન હંગામો મચી જવા પામ્યો હતો. એક શખ્સે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અચાનક છૂટો બુટ ફેંક્યો હતો. આ ઘટના બનતા જ બૂટ ફેંકનારને લોકોએ બરાબર મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે તાત્કાલિક સ્થિતિને નિયંત્રિત કરી હતી.
બુટ ફેંકનાર વ્યક્તિની અટકાયત કરી
આજે જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વક્તવ્ય આપવા ઉભા થયા હતાં અને આ દરમિયાન એક શખ્સે અચાનક બુટ હાથમાં લઈને છૂટો ગોપાલ ઈટાલિયા પર ફેંક્યો હતો. આ ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ બુટ ફેંકનારને પકડીને માર માર્યો હતો. સ્થળ પર હાજર રહેલી પોલીસે તાત્કાલિક બુટ ફેંકનાર વ્યક્તિની અટકાયત કરી સ્થિતિને કાબુમાં લીધી હતી.
અચાનક ક્ષણિક હડકંપ મચી જવા પામ્યો હતો
આમ આદમી પાર્ટીની સભામાં અચાનક ક્ષણિક હડકંપ મચી જવા પામ્યો હતો. આ દરમિયાન કેટલીક ખુરશીઓને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. પોલીસે સ્થિતિને નિયંત્રિત કરીને ફરીથી સભાને શરૂ કરાવી હતી.
જનમેદની જોઈને ભાજપ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું- ગોપાલ ઈટાલિયા
જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ સભામાં જનમેદની જોઈને ભાજપ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું હતું. આ બંને પક્ષોએ ભેગા થઈને મારી પર ચપ્પલ ફેંક્યું છે. હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારુ અને ડ્રગ્સ પર વાત કરી રહ્યો હતો. સામાન્ય લોકોને સરકારી કચેરીમાં તકલીફો પડે છે તેની પર વાત કરી રહ્યો હતો. મારી પર આ હુમલો કરવામાં આવ્યો તે યોગ્ય નથી. હું અને મારી પાર્ટી સત્તામાં નથી.
