રાજકોટ શહેર નજીક આવેલા બેડી ગામથી હડમતીયા તરફ જવાના રસ્તા પર એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં આવેલી વીડિવાળા પીરની દરગાહ નજીક ઘુના તળાવમાં ન્હાવા પડેલા 3 માસૂમ બાળકો અને 1 યુવક સહિત કુલ 4 લોકોના પાણીમાં ડૂબી જવાથી કમનસીબ મોત નીપજ્યા છે. એકસાથે 4 લોકોના અકાળે અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક સાથે ચાર લોકોના મોત થવાને કારણે શોકનું મોજું ફરી વળ્યું છે.

નાના ભાઈને બચાવવા જતાં 4 લોકો કાળનો કોળિયો બન્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતકોમાં સોહન શોરા (ઉંમર 10 વર્ષ), સેફુ શોરા (ઉંમર 5 વર્ષ), અલીફા શોરા (ઉંમર 10 વર્ષ) અને સાહિલ શોરા (ઉંમર 18 વર્ષ)નો સમાવેશ થાય છે. જેમાં સોહન અને સેફુ બંને સગા ભાઈઓ હતા. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે 5 વર્ષનો નાનો માસૂમ સેફુ અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને તેને બચાવવા માટે અન્ય બે બાળકો અને 18 વર્ષનો યુવક સાહિલ પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ કમનસીબે પાણીનું ઊંડાણ વધુ હોવાથી ચારેય જણા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

જન્મદિવસના દિવસે જ કાળનો પંજો ત્રાટક્યો

આ ગોઝારી ઘટનામાં સૌથી વધુ કાળજું કંપાવનારી બાબત એ સામે આવી છે કે, મૃતક 10 વર્ષીય સોહન શોરાનો આજે જ જન્મદિવસ હતો. જે દિવસે ઘરમાં ઉત્સવ અને ખુશીનો માહોલ હોવો જોઈએ, તે જ દિવસે કાળના પંજાએ માસૂમનો જીવ છીનવી લીધો હતો. પોતાના સંતાનનો જન્મદિવસ જ તેનો અંતિમ દિવસ બનતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને તેમના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા, કુવાડવા રોડ પોલીસની તપાસ શરૂ

બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહમત ઉઠાવીને ડૂબેલા ત્રણેય બાળકો અને યુવકના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટના અંગે જાણ કરાતાં જ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Rajkot: સગીરાને અમદાવાદ ભગાડી જઈ આચર્યું હતું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો નોંધી આરોપીઓને દબોચ્યા