દુબઈથી મુંબઈ તરફ આવી રહેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ નંબર IGO1452 માં અચાનક સ્મોકની વોર્નિંગ મળી હતી. જે કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. એરક્રાફ્ટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો નીકળી રહ્યો હોવાની જાણ થવાની સાથે જ પાયલોટ દ્વારા ફ્લાઈટને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી દેવામાં આી હતી. રાજકોટ એરપોર્ટ પર આ ફ્લાઈટનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું હતું.

આ ફ્લાઈટમાં 194 મુસાફરો સવાર હતા

ઘટનાની મળતી માહિતી મુજબ, આ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 194 મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. આ ફ્લાઈટ જ્યારે મુંબઈ જઈ રહી હતી, આ દરમિયાન અચાનક કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક થવાની જાણકારી પાયલન મળી હતી. આ ઘટનાને કારણે વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ભારે ડર અને ગભરાટનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાયલટ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ આ ફ્લાઈટને રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી મેળી હતી. 


તમામ મુસાફરો સુરક્ષિત 

રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગને લઈને તંત્રે તાત્કાલિક ધોરણે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અને ફાયર ફાઈટર-એમ્બ્યુલન્સને એલર્ટ કરી દીધું હતું. પાયલટની સમયસૂચકતાને કારણે આ એરક્રાફ્ટનું લેન્ડિંગ સુરક્ષિત રીતે સંપન્ન થયું હતું. આ ફ્લાઈટમાં સવાર તમામ 194 મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર્સનો બચાવ થયો છે. તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.

રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટરે શું કહ્યું?

આ ઘટના અંગે વિગતો આપતા રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાએ જણાવ્યું હતું કે, ફ્લાઈટ સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડ થઈ ગઈ છે. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હાલ વિમાનની તપાસ ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે કાર્ગો હોલ્ડમાંથી ઘુમાડો નીકળવાના કારણો શોધવા માટે પણ તપાસ શરૂ કરાઈ છે.