રાજકોટ શહેરમાં ચકચારી બનેલા જંગલેશ્વર ડિમોલિશન મામલામાં એક મોટો અને મહત્વનો વળાંક સામે આવ્યો છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા લાખો રૂપિયાના ખર્ચ અંગે શંકા-કુશંકાઓ ઉપજતાં વહીવટી તંત્ર દ્વારા આ અંગેની ખાણી પીણીની 27 લાખના ખર્ચની દરખાસ્તને સત્તાવાર રીતે નામંજૂર કરી દેવામાં આવી છે. આ વિવાદાસ્પદ મામલે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ બાદ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સ્વીકાર્યું છે.


તોતિંગ ખર્ચની આંતરિક તપાસ 


મળતી વિગતો મુજબ, રાજકોટના જંગલેશ્વર ખાતે મોટા પાયે ચાલેલી ડિમોલિશન ડ્રાઇવમાં એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા આ તોતિંગ ખર્ચની આંતરિક તપાસ કરવામાં આવી હતી. બિનજરૂરી રીતે વધારીને રજૂ કરાયેલા આ બિલિંગને પગલે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી અને સત્તાધીશોએ કડક વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટ કરી દીધું છે કે ખાણીપીણી અંગે આ પૈસાની હાલ કોઈ પણ પ્રકારની ચુકવણી એજન્સીને કરવામાં આવશે નહીં.


કેસમાં ગંભીર વિસંગતતાઓ સામે આવી


આ ચકચારી મામલે રાજકોટના મેયરે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "કાયદાકીય જોગવાઈઓ અને અગાઉના રેટ કોન્ટ્રાક્ટ મુજબ ભૂતકાળમાં ચૂકવાયેલા પૈસા પરત લઈ શકાય તેમ નથી, કારણ કે કાયદાકીય રૂપથી રેટ કોન્ટ્રાક્ટ મુજબ પેમેન્ટ કરવું ફરજિયાત હોય છે. પરંતુ આ કેસમાં ગંભીર વિસંગતતાઓ સામે આવી છે."


રેટ કોન્ટ્રાક્ટની ગંભીરતાથી સમીક્ષા 


મેયરે રાજકોટના ટેક્સપેયર્સના નાણાંનો દુરુપયોગ રોકવા માટે એક મોટી જાહેરાત કરી છે કે, વિવાદોમાં ઘેરાયેલા હાલના તમામ રેટ કોન્ટ્રાક્ટની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવશે. એટલું જ નહીં, આ શંકાસ્પદ રેટ કોન્ટ્રાક્ટને તાત્કાલિક પ્રભાવથી રદ્દ કરીને સંપૂર્ણ પારદર્શિતા સાથે નવો કોન્ટ્રાક્ટ આપવા માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે. રાજકોટ મનપાના આ સપાટાથી ભ્રષ્ટ તત્વો અને એજન્સીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

  • Follow us on: