ગુજરાતમાં વહેલી સવારે અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદરા-જરોદ રોડ પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોટંબી ગામ નજીક હાઇવે પર દોડતી એક લક્ઝરી બસ આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને મુસાફરોની ચીસાચીસથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો.


NDRF અને પોલીસે મોરચો સંભાળ્યો, ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા


ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ મિશન મોડમાં આવી ગઈ હતી. અકસ્માતની ગંભીરતાને જોતાં તુરંત જ NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમને પણ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.  આ અકસ્માતમાં 5 કમનસીબ મુસાફરોના ઘટનાસ્થળે જ કાળમુખો કોળિયો થઈ ગયો હતો. જ્યારે બસમાં સવાર અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.

જરોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો


વહેલી સવારે સર્જાયેલા આ ભયાનક અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જરોદ પોલીસે મૃતકોના શવને પીએમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. બસ ચાલકને ઝોકું આવી ગયું હતું કે પછી ઓવરટેક કરવાના ચક્કરમાં આ દુર્ઘટના ઘટી, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

  • Follow us on: