વડોદરા શહેરના રાજકારણને લઈને આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા વડોદરાની ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 30 જુલાઈના રોજ માંજલપુર બેઠક માટે મતદાન પ્રક્રિયા યોજાશે, જેને પગલે વડોદરાના રાજકીય આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે અને તમામ પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે.


 3 ઓગષ્ટે મતગણતરી 


માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે 30 જુલાઇએ મતદાન થશે અને 3 ઓગષ્ટે મતગણતરી યોજાશે. 14 જુલાઇએ ફોર્મ ચકાસણી કરાશે અને 16 જુલાઇએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે

ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ બેઠક ખાલી પડી હતી


વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠકના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. યોગેશ પટેલ વડોદરાના રાજકારણમાં ખૂબ મોટું કદ ધરાવતા હતા. તેમના નિધનને પગલે ખાલી પડેલી આ બેઠક પર હવે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરાતાની સાથે જ વડોદરા શહેરમાં ચૂંટણી આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ગયો છે.

30 જુલાઈએ મતદાન, રાજકીય પક્ષોમાં દોડધામ શરૂ


ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર, માંજલપુર બેઠક પર 30 જુલાઈએ સવારે મતદાન યોજાશે. આ બેઠક ભાજપનો ગઢ ગણાતી હોવાથી ભાજપના અનેક સ્થાનિક નેતાઓએ ટિકિટ મેળવવા માટે અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પણ આ બેઠક પર મજબૂત ઉમેદવાર ઉતારીને ભાજપને કાંટાની ટક્કર આપવા માટે વ્યૂહરચના ઘડી રહ્યા છે. આગામી દિવસોમાં ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ માંજલપુરમાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે.