છોટા ઉદેપુર જિલ્લામાં પ્રસિદ્ધ અને પૌરાણિક શિવ મંદિર આવેલું છે. આ શિવ મંદિર અત્યારે તેના અસ્તિત્વને લઈને જોખમમાં છે. મંદિરને બચાવવા નગરજનો પ્રયાસ કરી રહ્યા છે. મંદિરના પુનઃનિર્માણ માટે નગરજનોએ વહીવટીતંત્રને અપીલ કરી.


સંખેડાના પ્રસિદ્ધ અને પૌરાણિક મંદિર અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા નગરજનોએ તંત્રને વિનંતી કરતા પુનઃનિર્માણની અપીલ કરી છે. સંખેડાના નગરજનોએ મંદિરને બચાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું. અર્જુનનાથ મહાદેવ મંદિર વિનાશકારી પૂરનો ભોગ બન્યું.વર્ષ 2022માં ધોધમાર વરસાદને પગલે ઉચ્છ નદીમાં પૂર આવ્યું હતું. વિનાશકારી પૂરના કારણે નકુલેશ્વર મહાદેવ મંદિર નદીમાં ધરાશાયી થયું હતું. જેના બાદ હવે અર્જુનનાથ મહાદેવ મંદિરના અસ્તિત્વ સામે પણ જોખમ ઉભું થયું છે.

અર્જુનનાથ મહાદેવ મંદિર

નકુલેશ્વર મહાદેવ મંદિર વિનાશકારી પૂરમાં ધરાશાયી થતા આ વિસ્તારમાં આવેલ બીજું શિવ મંદિર પણ જોખમનો સામનો કરી રહ્યું છે.અર્જુનનાથ મહાદેવ મંદિર પર લોકોનો ધસારો જોવા મળે છે. આ વિસ્તારમાં રહેતા નગરજનો તહેવાર અને પવિત્ર શિવરાત્રિના દિવસે અંહી દર્શન કરવા આવતા હોય છે. નકુલેશ્વર મંદિર ધરાશાયી થયા બાદ હવે માત્ર અર્જુનનાથ મહાદેવ મંદિર જ બચ્યું છે અને એ પણ નદીની ભેખડ ઉપર છે. ભેખડ પર રહેલ અર્જુનનાથ મહાદેવ મંદિરની સ્થિતિ પણ વધુ જોખમી છે. આગામી સમયમાં ચોમાસાની સિઝનમાં જો ભારે વરસાદ આવે તો અર્જુનનાથ મહાદેવ મંદિર પણ નકુલેશ્વર મહાદેવની જેમ ધરાશાયી થઈ શકે તેવો લોકોમાં ભય છે. આ મંદિર સમગ્ર સંખેડા તાલુકાના નાગરિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તાલુકાના તમામ નાગરિકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે.હવે આ મંદિરને બચાવી લેવા માટે સૌ માંગ પણ કરી રહ્યા છે.

મહાભારત સમયનું પૌરાણિક શિવ મંદિર

છોટા ઉદેપુરના સંખેડામાં આવેલ મહાદેવ મંદિર અત્યારે અસ્તિત્વના જોખમનો સામનો કરી રહ્યું છે. આ મંદિર મહાભારત સમયનું પૌરાણિક શિવ મંદિર હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાંડવાઓએ પોતે તેમના વનવાસકાળ દરમ્યાન આ મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી. વર્ષ 2022માં આવેલા પૂરના કારણે નકુલેશ્વર મહાદેવ મંદિર નદીમાં ધરાશાયી થયા બાદ હવે નગરજનોમાં અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા પ્રયાસ હાથ ધરાયો છે.

મંદિરને બચાવવા સરકારને રજૂઆત

આ મંદિરને બચાવવા માટે સરકાર આગળ આવે એવા શુભ આશયથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છંતા કોઈ કાર્યવાહી ન થતા આખરે સંખેડાના નગરજનો રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા.હર હર મહાદેવ અને મંદિર બચાવોના સૂત્રોચ્ચાર સાથે સંખેડા ચોરા પાસેથી રેલી સ્વરૂપે શિવભક્તો નીકળ્યા હતા.આ રેલી મામાલતદાર કચેરીએ પહોંચી હતી.અહીંયા મામલતદાર અંજના મોતવાલને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી.સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા કોઈ કાર્યવાહી ન થાય તો તા.30મીના રોજ સંખેડા ભાગોળે ધુનનો કાર્યક્રમ યોજશે અને તા 31 જાન્યુઆરીએ સંખેડા ગામનું બજાર બંધ રાખવાની પણ જાહેરાત કરાઈ હતી.

  • Follow us on: