છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામની એક દીકરીએ આકાશને આંબવાનું સપનું જોયું છે. શીતલ જસવંતભાઈ રાઠવા, જે કવાંટ તાલુકાના કેલદરા ગામની છે, તેણે સાબિત કરી બતાવ્યું છે કે સપનાં ગમે તેટલાં મોટાં હોય, જો હિંમત અને મહેનત હોય તો તેને સાકાર કરી શકાય છે. એક નાનકડા ગામથી લઈને દક્ષિણ આફ્રિકા સુધીની તેની સફર દરેક માટે પ્રેરણાદાયી છે.


છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કેલદરા ગામની શીતલ જસવંતભાઈ રાઠવા મધ્ય પ્રદેશના અલીરાજપુર ખાતે જવાહર નવોદય વિદ્યાલય ખાતે અભ્યાસ કરતી હતી. તે સમયે મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છકતલા ગામે એક કાર્યક્રમમાં હેલિકોપ્ટરમાં આવ્યા હતા અને તેમના હેલિકોપ્ટરનું લેન્ડિંગ ત્યાં થયું હતું. ત્યારે શીતલ રાઠવાની સહેલી સાથે હેલિકોપ્ટરનું લેન્ડિંગ જોવા લઈ ગઈ હતી. તેની સહેલીઓને શિતલે ટોણો મારીને કહ્યું હતું કે, 'દુસરે લોગ હેલીકૉપ્ટર ઉડાવે એ મે ક્યુ દેખુ, મે ખુદ હેલિકોપ્ટર ઉડાઉંગી' આ ડાયલોગ સાંભળીને સખીઓ પણ હસવા લાગી હતી, પરંતુ શીતલે તે સમયે પાયલોટ બનવાનું મનમાં ઠાણી લીધું હતું.

શીતલ રાઠવાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ જવાહર નવોદય વિદ્યાલય અલીરાજપુર પૂર્ણ કર્યા બાદ, પુણે એન્જીનીયરીંગનો કોર્સ કરી, વિદેશમાં સાઉથ આફ્રિકામાં પાયલોટના કોર્સમાં એડમિશન મળ્યું. પાયલોટના કોર્સ માટે રૂપિયા 50 લાખ જેટલો ખર્ચ હતો. આ ખર્ચ માટે તેના પિતા જસવંત રાઠવાએ બેન્કમાં એજ્યુકેશન લોનની દરખાસ્ત મુકી અને સરકાર દ્વારા બેન્કને લોન આપવા ભલામણ કરતાં શીતલ રાઠવાને અંતે 25 લાખની લોન મળી હતી.

દીકરીના સ્વપ્ન સાકાર કરવા માતા પિતાના અથાગ પ્રયત્ન

શીતલ રાઠવાના પાયલોટ બનવાના સ્વપ્નને સાકાર કરવા તેના માતા-પિતા એ અથાગ પ્રયત્નો કર્યા હતા. તેમને બેન્કમાંથી 25 લાખની લોન મળી અને બીજા 25 લાખ સગાજનો પાસેથી ભેગા કરી દીકરીને પાયલોટ બનાવવા સાઉથ આફ્રિકા ખાતે એડમિશન અપાવ્યું. શીતલ રાઠવા હાલ સાઉથ આફ્રિકા ખાતે પાયલોટનો કોર્સ કરી રહી છે. તેના પાયલોટના કોર્સને પૂર્ણ કરવામાં હજી 6 મહિના બાકી છે. અડગ મનના માનવીને ક્યારે હિમાલય નડતો નથી, આ પંક્તિને શીતલ રાઠવા ખરા અર્થમાં સાર્થક કરી રહી છે. એના દ્રઢ મનોબળ થકી સાઉથ આફ્રિકા ખાતે શીતળ 12 કલાક મહેનત કરી વિમાન ચલાવવાનું શીખી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના અતિ અંતરિયાળ એવા કેલદરા ગામના શિતલના પિતા જસવંત રાઠવા ખેતી સાથે ખાનગી પશુ ચિકિત્સક તરીકે ગામડામાં ફરીને પશુઓની સારવાર કરવાનું કામ કરી રહ્યાં છે, તો તેમના માતા ગૃહિણી છે. તેમ છતાં આ પરિવારે દીકરીના સ્વપ્નને સાકાર કરવા માતાના ઘરેણાં, ખેતીની જમીન ગીરવે મુકી દીધા હતા અને તેમના સગાઓ પાસે મદદ માંગી હતી.

  • Follow us on: