ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. શા માટે રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે અને આ અધિવેશનને લઈ ગુજરાત કોંગ્રેસે શું તૈયારીઓ કરી છે જોઈએ આ રિપોર્ટમાં.


રાહુલ ગાંધીએ આપી હતી આ ચેલેન્જ

ગાંધી અને સરદારના ગુજરાતને હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો હતો, ત્યારથી જ ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાત ઓળખ બની ગઈ છે અને આ જ કારણથી છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ કશું ઉકાળી શકી નથી અને હાલ કોંગ્રેસના ઈતિહાસમાં સૌથી ખરાબ પરિસ્થિતમાં છે. આ જ કારણથી સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 2027 વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગુજરાતમાં ભાજપને હરાવવાનું ચેલેન્જ આપ્યું હતું. તેના જ ભાગરૂપે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે આ સાથે જ મહાત્મા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તેને 100 વર્ષ પૂર્ણ થતાં આ અધિવેશન સાબરમતી તટ પર અને મહાત્મા ગાંધીની ધરા પર કરવાનું શીર્ષ નેતૃત્વએ નક્કી કર્યું છે.

2000થી વધુ કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં આવશે

8મી એપ્રિલે કોંગ્રેસની CWCની બેઠક સરદાર સ્મારકમાં યોજાવાની છે તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન રિવરફ્રન્ટમાં યોજાવાનું છે. જેમાં સમગ્ર દેશભરથી 2000થી વધુ કોંગ્રેસના નેતાઓ તેમજ ડેલીગેટ સભ્યો ગુજરાતમાં આવશે, આ અધિવેશનની તડામાર તૈયારીઓ કરવામાં ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસનું આ અધિવેશન માત્ર અધિવેશન જ નહીં, પરંતુ ગુજરાત અને દેશની જનતાને પડી રહેલી તકલીફોમાંથી મુક્તિ અપાવવા માટેનું અધિવેશન બની રહેશે તેમ કોંગ્રેસના સિનિયર નેતા પરેશ ધાનાણી માની રહ્યા છે.

કોંગ્રેસ બનાવશે રણનીતિ?

આમ, અમદાવાદમાં આગામી 8-9 એપ્રિલના રોજ યોજાનારા અધિવેશનમાં ગુજરાત અને દેશને કોંગ્રેસ નવી દિશા અને દશા નક્કી કરવા માટેની રણનીતિ બનાવવામાં આવશે. આ અધિવેશનની ગુજરાતના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ બહાર આવશે કે કેમ તે વિધાનસભા 2027ની ચૂંટણીના પરિણામ જ બતાવશે.

  • Follow us on: