વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદને વિવાદનો મધપૂડો છંછેડયો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને છત્રપતિ શિવાજીને લઈને વિવાદિત નિવેદન કરતા શિવસેના ભક્તોમાં રોષ જોવા મળ્યો. ચેરમેન દ્વારા એક કાર્યક્રમમાં છત્રપતિ શિવાજીની અટક બોલવામાં ભૂલ થઈ હતી. જેને લઈને ઉદ્ધવ ઠાકરેની શિવસેના રોષે ભરાઈ હતી અને તેમના આ નિવેદન બદલ તેઓ માફી માગી તેવી માગ સાથે ચેરમેનની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. 


શિવાજી ભોસલેના સ્થાને ગાયકવાડ બોલ્યા 

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા શિવાજીને ગાયકવાડ દર્શાવતા શિવસૈનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રોષે ભરાયેલા શિવસૈનિકોએ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની ઓફિસની બહાર મહારાજા છત્રપતિ શિવાજીનું પોસ્ટર લગાવ્યું. શિવસેનામાં બે જૂથ પડી ગયા છે. એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના. ચેરમેન સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અગ્રણી દીપક પાલકર સહિત કાર્યકરોએ ચેરમેનના મહારાજા શિવાજી પર કરેલા વિવાદીત નિવેદનને લઈને તેમની ઓફિસ બહાર વિરોધ કર્યો હતો. આ વિવાદને લઈને હવે ચેરમેનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. શીતલ મિસ્ત્રીએ કહ્યું કે આજે શિવસેના કેટલાક સભ્યો આવ્યા હતા. અને મેં તેમની સમક્ષ મારા શિવાજી પર કરેલા નિવેદનને લઈને માફી માગી હતી. 

મારો અપમાનનો કોઈ ઇરાદો નહોતો

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શિવાજી વિવાદને લઈને નિવેદન આપ્યું કે મારો છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવાનો કોઈ ઇરાદો નહોતો. પરંતુ આ નિવેદન જાણી જોઈને કરવામાં આવેલ કૃત્ય નથી પરંતુ 'સ્લીપ ઓફ ટંગ' છે એટલે કે ભૂલથી આ પ્રકારનું ઉચ્ચારણ થયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે શહેરમાં ગતરોજ જાણતા રાજાના શોનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જ દિવસે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્ય તિથિનો પણ અવસર હતો. એટલે જાણતા રાજા શોમાં ઉદ્બોધન કરતી ગાયકવાડ મહારાજનો ઉલ્લેખ કરતી વખતે મહારાજા છત્રપતિ શિવાજીને યાદ કરતા ભૂલથી શિવાજી ભોસલે બોલાઈ ગયું હતું. મેં શિવ સૈનિકોને મારા નિવેદન બદલ 'સોરી' કહ્યું છે. નોંધનીય છે કે અગાઉ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ ભારે વરસાદને લઈને નિવેદન આપ્યા બાદ હોબાળો મચ્યો હતો. વરસાદ પરના નિવેદનને લઈને વિપક્ષ નેતાએ ટીકા કરી હતી કે આ પદ પર બેસી આવા નિવેદનો આપવા શોભનીય નથી.


  • Follow us on: