ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-૨૦૨૪ની મતગણતરી તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, તા.પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે. મતગણતરી કેન્દ્ર ખાતે કુલ ૩૨૧ બુથની ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ ૧૫૯થી વધુ અધિકારી/કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે જેમાં ૫૯ કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂંક કરાઇ છે.


તૈયારીઓને અપાયો આખરી ઓપ

સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે ૪૦૦ પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ બજાવશે. આ સાથે મતગણતરી સબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.અત્રે નોંધનીય છે કે, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૭૦.૫૫ જેટલું મતદાન નોંધાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ મત ગણતરી સવારે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. વાવ પેટા ચૂંટણીમાં કુલ ૨,૧૯,૨૬૬ જેટલું મતદાન નોંધાયું હતું જેમાં પુરુષ ૧,૨૦,૬૧૯ તથા ૯૮,૬૪૭ સ્ત્રી મતદાન નોંધાયું હતું.


સીસીટીવી સેન્ટરની લીધી મુલાકાત

મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સી.સી. ટી.વી. સેન્ટરની મુલાકાત લીધી છે.

અધિકારીઓ રહ્યાં હાજર

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૨૩ નવેમ્બરના રોજ સવારે ૮.૦૦ કલાકે મતગણતરીની શરૂઆત થશે જેમાં સૌથી પહેલા ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે જયારે ૮.૩૦થી ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરવામાં આવશે.આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુઈગામ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: