બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' ઝડપથી ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. આ વિનાશક વાવાઝોડું રાત્રે 2 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. જો કે, ઓડિશાની સાથે તેની આસપાસના 7 રાજ્યોને અસર થશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, વાવાઝોડું દાના 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે.
300 ફ્લાઇટ રદ
વાવાઝોડું દાના ઓડિશા અને આસપાસના રાજ્યો માટે વિનાશક બની શકે છે. વાવાઝોડા પહેલા જ 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વાવાઝોડું દાના ભીતરકણિકા નેશનલ પાર્ક અને ઓડિશાના ધમરા પોર્ટ પાસે ટકરાઈ શકે છે. સરકારે પણ આ વાવાઝોડાની તૈયારી માટે કમર કસી છે. એકલા ઓડિશાના 14 જિલ્લામાંથી 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 300 ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને 552 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. પુરી જગન્નાથ મંદિર પરિસરમાંથી તમામ કામચલાઉ ટેન્ટ હટાવી દેવામાં આવ્યા છે. પીએમ મોદી પણ દાના વિશે સતત માહિતી લઈ રહ્યા છે.
વાવાઝોડું કેટલું ખતરનાક?
દાના વાવાઝોડું રાત્રે 2 વાગ્યે લેન્ડફોલ કરશે. તે ઓડિશામાં ભીતરકણિકા અને ધમારાની આસપાસ લેન્ડફોલ કરી શકે છે. હવામાન વિભાગનો અંદાજ છે કે, આ વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે. આવી સ્થિતિમાં તે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જી શકે છે. આ માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે અને NDRF, ODRAF જેવી રાહત ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ
અત્યાર સુધીના અનુમાન મુજબ ઓડિશાનો ભદ્રક જિલ્લો આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. આ જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. આકાશમાં ધુમ્મસ છે. પ્રવાસીઓને દૂર રાખવા માટે અહીંના બીચ પર લાલ ઝંડા લગાવવામાં આવ્યા છે.
રાજ્યના બે મુખ્ય મંદિરો ભક્તો માટે બંધ
વાવાઝોડું દાના ઓડિશામાં ત્રાટકશે ત્યારે ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. તેને જોતા રાજ્યના બે મુખ્ય મંદિરો જગન્નાથ મંદિર અને કોણાર્કના સૂર્ય મંદિરને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ આદેશ 25 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.
ઓડિશામાં વાવાઝોડાને લઈ રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં વાવાઝોડા દાનાને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આના કારણે કોલકાતા એરપોર્ટ પર અંદાજે 300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, 552 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સંખ્યા હજુ વધી શકે છે. વાવાઝોડું કેટલું શક્તિશાળી છે તેનો અંદાજ એ તેના પરથી લગાવી શકાય છે કે તે માત્ર ઓડિશા જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ સહિત અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોને પણ અસર કરી શકે છે. ખાસ કરીને પુરી, ગંજમ, જગત સિંહપુર અને મિદનાપુર અને બંગાળના 24 પરગણા જિલ્લામાં એલર્ટ છે.
વાવાઝોડાને કારણે સંભવિત ધ્યાનમાં રાખીને વિવિધ ટીમો તૈનાત
વાવાઝોડાને કારણે સંભવિત વિનાશને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે NDRFની 19 ટીમો, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 51 ટીમો અને ફાયર બ્રિગેડની 178 થી વધુ ટીમો તૈનાત કરી છે, આ ઉપરાંત ઘણી વધારાની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં એકલા ઓડિશાના 14 જિલ્લામાંથી 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં શાળા-કોલેજો બંધ
વાવાઝોડાને કારણે થયેલી તબાહીને જોતા પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ઓડિશાના 14 જિલ્લાઓમાં 25 ઓક્ટોબર સુધી અને બંગાળમાં 26 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ભુવનેશ્વરમાં વહીવટીતંત્રે રાહત કેન્દ્રોમાં ખાદ્ય પદાર્થો, દવાઓ અને અન્ય આવશ્યક જરૂરિયાતોની વ્યવસ્થા કરી છે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવા સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ રાહત કેન્દ્રોમાં આશ્રય લે. વીજળીના વિક્ષેપને પહોંચી વળવા માટે 700 ઇલેક્ટ્રિક ગેંગમેન તૈનાત કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં પણ એલર્ટ જાહેર
પશ્ચિમ બંગાળમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સમગ્ર મામલામાં નજર રાખી રહી છે, આજે રાત્રે તેમણે માત્ર નવન્ના સચિવાલયમાં જ રોકાવાનું નક્કી કર્યું છે. સીએમ મમતા બેનર્જી વાવાઝોડું દાનાના ક્ષણ-ક્ષણ અપડેટ્સ લઈ રહી છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે પણ આ અંગે સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. જેમાં નબન્નાના 24×7 હેલ્પલાઇન નંબર: 033-22143526 નો જાહેર કરવામાં આવ્યો છે અને સતર્ક અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.
ઈસરોએ એક એનિમેટેડ વીડિયો જાહેર કર્યો
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન પણ વાવાઝોડું દાના પર સતત નજર રાખી રહ્યું છે. ઈસરોના EOS-06 અને INSAT-3DR સેટેલાઈટ્સ અનુસાર આ ચક્રવાતી તોફાન ઝડપથી ઓડિશાના દરિયાકાંઠે પહોંચી રહ્યું છે. ઈસરોએ એક એનિમેટેડ વીડિયો પણ જાહેર કર્યો છે, જે જણાવે છે કે ચક્રવાત દાના કેવી રીતે વિકસિત થયું.













