• અમદાવાદના ધોળકામાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
  • ખાત્રીપુર ગામની 200 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાયા
  • વરસાદી પાણીથી ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ

અમદાવાદના ધોળકા તાલુકામા વરસાદે તારાજી સર્જી છે,ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ જતા ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ ગઈ છે.આજે ખેડૂતોએ સરપંચની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને અધિકારીને વિનંતી કરી હતી કે,જેમ બને તેમ જલદીથી વરસાદી પાણીનો નિકાલ થાય.

ધોળકા તાલુકાના ખેતરો પાણીમાં ગરકાવ

અમદાવાદમાં સામન્ય વરસાદે મુશીબત સર્જી છે,અમદાવાદથી 50 કિમી દૂર આવેલ ધોળકા તાલુકામાં ખેતરોમાં જયાં જુઓ ત્યા માત્ર પાણી જ જોવા મળ્યા છે.ધોળકા તાલુકાના ખાત્રીપુર ગામની ૨૦૦ વીઘા જેટલી જમીનમાં ડાંગરનો પાક વરસાદી પાણીમાં ગરકાવ થતા પાકને મોટી માત્રામાં નુકસાન થયુ છે,આ પાણી એવા ભરાયા કે હજી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે ખેડૂતો પણ રાહ જોઈ રહ્યાં છે કે ખેતરમાં રહેલા પાણી ઉતરે અને ફરીથી નવા પાકનું વાવેતર કરી શકાય.

અધિકારીને આપ્યું આવેદનપત્ર

ધોળકા તાલુકાના ખાત્રીપુર ગામની સીમમાં વરસાદી પાણી ભરાતા ગામના સરપંચ સુરેશભાઈ ઠાકોરની આગેવાનીમાં ખાત્રીપુરના ખેડૂતોએ ધોળકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતુ.વરસાદી પાણીનો નિકાલ કરવા ખેડૂતોએ ધોળકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાની વ્યથા જણાવી હતી,તો અધિકારીનું કહેવું છે કે આ બાબતને ધ્યાને લઈ નગરપાલિકાને જાણ કરવામાં આવશે અને શકય હશે તો મોટરવડે આ પાણી ખેંચવામાં આવશે.


ડાંગરનો પાક નિષ્ફળ થવાની ભીતિ

ખેડૂતોની વાત માનીએ તો તેમનું કહેવું છે કે ઉનાળાના સમયમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે અને ચોમાસમાં સારો વરસાદ થતા ડાંગરનો પાક સારો થાય છે પરંતુ અહીયા તો ઉંધુ થયું,પાક તૈયાર થાય તે પહેલા જ પાણીમાં ડૂબી ગયો હતો જેના કારણે ડાંગરના પાકને ભારે માત્રામાં નુકસાન થયુ હતુ,ખેડૂતોનું કહેવું છે કે,આ વરસાદી પાણી ઉતરશે અને પછી ફરીથી મહેનત કરી ડાંગરના પાકનું વાવેતર કરાશે.


  • Follow us on: