ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે લઘુતમ ટેકાના ભાવ મકાઈ રૂ. ૨૨૨૫/- પ્રતિ ક્વિન્ટલ, બાજરી રૂ. ૨૬૨૫/- પ્રતિ ક્વિન્ટલ, જુવાર (હાઇબ્રીડ) રૂ. ૩૩૭૧/- પ્રતિ ક્વિન્ટલ, જુવાર (માલદાંડી) રૂ. ૩૪૨૧/- પ્રતિ ક્વિન્ટલ તથા રાગી રૂ. ૪૨૯૦/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી દ્વારા મકાઈ, બાજરી, જુવાર, રાગીની ખરીદી હાથ ધરવામાં આવી છે.


બાયોમેટ્રીક ઓર્થેન્ટીકેશન દ્વારા નોંધણી કરાવી શકશે

લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમની ઓનલાઇન નોંધણી સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ગ્રામ્ય કક્ષાએ ૦૧/૦૪/૨૦૨૫ થી ૩૦/૦૪/૨૦૨૫ સુધી કરવામાં આવશે. આ ખરીદી તા. ૦૧/૦૫/૨૦૨૫ થી ૧૫/૦૭/૨૦૨૫ સુધી કરવામાં આવશે. જેની નોંધણી કરાવવા બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓર્થેન્ટીકેશન દ્વારા નોંધણી કરાવી શકશે.

સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરાયો છે

ખેડૂતોએ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક, પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેઓનો પાકનો લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરાયો છે.

SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓર્થેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં જે-તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહીં કરવામાં આવે જેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા,નાયબ જિલ્લા મેનેજર ગુ.રા.ના.પુ.નિગમ પાલનપુર -બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

  • Follow us on: