• પરિવારે એક મોટો આશરો ગુમાવ્યો

  • વેપારીવર્ગમાં શોકનો માહોલ છવાયો
  • પ્રાથમિક તારણાનુસાર હાર્ટએટેકથી મોત

હાલના દિવસોમાં ગુજરાતમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે. લોકો ટપોટપ મોતના મુખમાં જઈ રહ્યા છે. નાની વયમાં જિંદગીના જીવનદીપ બુઝાઈ રહ્યા છે. જેના લીધે મેડિકલ એક્સપર્ટ્સની સાથે જ લોકોમાં પણ ચિંતાનો માહોલ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે જામનગરમાંથી પણ એક આવા જ સમાચાર સામે આવ્યા છે. અહીં 29 વર્ષીય એક યુવા વેપારીનું અચાનક ઢળી પડતા મોત થયું છે.

આ ઘટનાની વધુ વિગતો પ્રમાણે જામનગરમાં જૈન વિજય ફરસાણ વાળા રસિકભાઈના પુત્રનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાનની ઉંમર માત્ર 29 વર્ષ જ હતી અને સુમિત અચાનક જ ઢળી પડ્યા હતા. જેના પછી તેમનું મોત નીપજ્યું હતું. યુવાન વયે પુત્ર ગુમાવતા પરિવારજનોના માથે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો, તો સાથે જ વેપારી વર્ગમાં પણ આ બાબતને લઈને શોકનો માહોલ છવાયો હતો. હાલ આ યુવાનનું મૃત્યુ પ્રાથમિક તારણ અનુસાર હૃદય બંધ પડી જવાના લીધે થયું હોવાનુ મનાઈ રહ્યું છે. જો કે મોતનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ થયા બાદ જ જાણી શકાશે એવી માહિતી સામે આવી રહી છે. જો કે આ પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવતા કુટુંબીજનો, સગાવહાલાઓ અને મિત્રોમાં શોકનો માહોલ હતો.

ગુજરાતમાં થયો વધારો

છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે.

કોલેસ્ટેરોલ છે એક કારણ

ઉંમર વધવાની સાથે દરેક વ્યકિતની આ ધમનીઓમાં કોલેસ્ટેરોલ (ચરબી) ની જમાવટ થતી જાય છે અને નળીઓ સાંકળી થતી જાય છે. આ કારણે વ્યકિતને શ્રમ કરતી વખતે હૃદયનો દુખાવો અનુભવાય છે. આ દુખાવો ક્ષણીક હોય છે અને 2 થી 5 મીનીટ આરામ કરવાથી કે નાઈટ્રોગ્લીસરીનની ગોળી ચૂસવાથી દુખાવો બંઘ થઈ જાય છે. આ દુખાવો છાતીની ડાબી બાજુ કે ડાબા હાથમાં જ થાય તેવી સામાન્ય માન્યતા પણ સાચી નથી. આ દુખાવો જમણા હાથમાં કે ખભામાં, ગળામાં, નીચેના જડબામાં, પેટમાં, વાંસામાં કે છાતીના મધ્યમાં પણ થઈ શકે છે. 20% લોકોને તો કોઇ દુઃખાવાનો અનુભવ થતો જ નથી. જયારે આ સાંકળી નળી ઓચીંતી બંધ થઈ જાય છે ત્યારે હૃદયના અમુક ભાગમાં લોહીનો પૂરવઠો તદ્‌ન બંઘ થઈ જાય છે અને તે હૃદયરોગના હુમલામાં (હાર્ટ એટેક) પરિણમે છે. તમને ખબર છે કે 60% પુરૂષો અને 50% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી અને સૌથી પહેલા લક્ષણ રૂપે સીધો હાર્ટ એટેક જ આવે છે.

સારવાર મળે તે પહેલા જ મૃત્યુ

અત્યંત ગંભીર બાબત એ છે કે હાર્ટ એટેક દરમ્યાન 25 % લોકો તો ઘરેથી ડોકટર પાસે પહોચતાં પહેલા જ મૃત્યુ પામે છે, વિશ્વની કોઈપણ બિમારીમાં આટલો ઉંચો અને આટલો ઝડપી મૃત્યુ દર નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી જીવનશૈલી તદ્‌ન બદલાઈ ગઈ છે. તનાવ-યુકત જીવન, ખોરાકમાં ઘી, તેલ, ફરસાણ, મીઠાઈનો વધુ પડતો ઉપયોગ, તમાકુનું સેવન, વઘુ પડતું વજન અને શરીરની મેદસ્વીતા, કસરતનો અભાવ, ડાયાબીટીસ-બીપી જેવા રોગનું વઘતું પ્રમાણ અને આધુનિક જીવનની દોડઘામ, હરીફાઈ અને ટૂંકા ગાળામાં વઘુ પૈસા કમાઈ લેવાની આપણી વૃતીના કારણે આપણું કોલેસ્ટેરોલનું પ્રમાણ લોહીમાં પણ વઘી ગયું છે. જેના કારણે હૃદયરોગનો હુમલો કે લકવાના રોગનો જન્મ થયો છે.

  • Follow us on: