• મોટા ભાગે આજે નોર્મલ રહ્યું હવામાન

  • વરસાદની આગામી દિવસોમાં છે આગાહી
  • મિશ્ર ઋતુના કારણે રોગચાળાનું પ્રમાણ વધી શકે છે

રાજ્યમાં હાલમાં માવઠું પત્યા પછી આજે નોર્મલ દિવસ રહ્યો હતો. રાજ્યમાં મોટાભાગના વિસ્તારો સૂકા રહ્યા હતા અને ઠંડીનું સામાન્ય પ્રમાણ રહ્યું હતું. જો કે અમુક એક્સપર્ટ્સના મતે વરસાદે હજુ પણ ગુજરાતનો કેડો મૂક્યો નથી. આગામી દિવસોમાં હજુ પણ વરસાદની સંભાવના છે. સાથે જ ઠંડીનું જોર પણ વધશે. આમ આ દિવસોમાં મિશ્ર ઋતુનું પ્રમાણ વધતાં લોકોમાં રોગચાળો પણ ફેલાઈ શકે છે. જેને લઈને વાયરલ કેસો વધી શકે તેમ છે.

આજના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 27.3 ડિગ્રી, ડીસામાં 27.9, ગાંધીનગરમાં 27, વલ્લભ વિદ્યાનગરમાં 27.1, વડોદરામાં 27, સુરતમાં 28.5, વલસાડમાં 30, ભુજમાં 28.6, નલિયામાં 27.4, કંડલા પોર્ટમાં28, ભાવનગરમાં 28.2, દ્વારકામાં 28.7, ઓખામાં 27.6, પોરબંદરમાં 29.6, રાજકોટમાં 29.2, વેરવાળમાં 29.6, સુરેન્દ્રનગરમાં 28.3 અને કેશોદમાં 28.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આમ માવઠા પછી આજે વાતાવરણ સ્થિર જોવા મળ્યું હતું અને મોટાભાગે સૂકું હવામાન જોવા મળ્યું હતું.

રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ અને વલસાડમાં માવઠું થઇ શકે છે. કમોસમી વરસાદની સાથે રાજ્યમાં શીત લહેરના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના 17 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. જેમાં સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી નોંધાયું છે. આ સાથે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની નીચે રહ્યું છે. આમ વરસાદની અસર આજે નોંધાઈ નથી અને સામાન્ય જનતાને પણ હાશકારો થયો હતો.

આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 17.8 ડિગ્રી, ડીસામાં 17, ગાંધીનગરમાં 17.4, વલ્લભ વિદ્યાનગરમાં 17.8, વડોદરામાં 17.6, સુરતમાં 19, વલસાડમાં 20.6, ભુજમાં 15.6, નલિયામાં 12.2, કંડલામાં 18.5, અમરેલીમાં 16.6, ભાવનગરમાં 18.5, દ્વારકામાં 18.8, ઓખામાં 21.9, પોરબંદરમાં 19.2, રાજકોટમાં 16.8, વેરાવળમાં 19.6, સુરેન્દ્રનગરમાં 18.5 અને કેશોદમાં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

આગામી દિવસમાં હજુ પણ હવામાનમાં ફેરફારો જોઈ શકાશે. વરસાદની સંભાવના હજુ પણ છે તેમજ આની સાથે જ આગામી દિવસોમાં ઠંડીનું જોર પણ વધી શકે તેમ છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં મિશ્ર ઋતુનો અનુભવ થાય તેવી પણ સંભાવના છે. ખાસ કરીને લોકોમાં આ દિવસોમાં રોગચાળાનું પ્રમાણ વધી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે.


  • Follow us on: