રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના 97 ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં કે જેમાં બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ કરી ખેડૂતોને વીજળી અપાશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ ૮૪૬ ગામડાઓ છે. જેના 42,670 ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે.


ઊર્જા મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને રાત્રિના સમયે વીજ પુરવઠો આપવાના કારણે જાનવરોનો ભય, શિયાળાની કડકડતી ઠંડી અને રાત ઉજાગરામાંથી રાહત આપવા માટે રાજ્ય સરકારે નક્કર પગલાં તરીકે 'કિસાન સૂર્યોદય યોજના' અમલમાં મૂકી છે. જેના પરિણામે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે અને તેનો ફાયદો ખેડૂતોને સામાજિક અને કુટુંબજીવનમાં પણ થયો છે.

રાજ્યમાં ખેતીવાડી વીજ વપરાશમાં ઉત્તરોત્તર વધારા અંગેની માહિતી આપતાં મંત્રીએ કહ્યું કે, વર્ષ 2021-22માં 2388 કરોડ યુનિટ, વર્ષ 2022-23 દરમિયાન 2599 કરોડ યુનિટ, વર્ષ 2023-24માં 2630 કરોડ યુનિટ તેમજ વર્ષ 2024-25માં જાન્યુઆરી-2025 સુધીમાં 2016 કરોડ યુનિટ વીજ વપરાશ થયો છે. જ્યારે જાન્યુઆરી-2025માં મહત્તમ વીજમાગ 10,107 મેગાવોટ નોંધાઈ છે. આમ છતાં, મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે.

આ પ્રકારે દિવસે વીજળી આપવાથી આવનારા વધારાના વીજલોડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં GETCOના પ્રવહન માળખાના અપગ્રેડેશન માટે કુલ રૂ. 8810 કરોડની ફાળવણી કરાઈ છે. જે અંતર્ગત ડિસેમ્બર-2024સુધીમાં કુલ રૂ.3859 કરોડના ખર્ચે 3649 સર્કિટ કિ.મી. વીજરેષાઓ તથા 34 નવાં વીજ સબસ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

  • Follow us on: