ખેડબ્રહ્માથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલું ચીખલા ગામ કે જ્યાં પીવાના પાણીની મોટી સમસ્યા છે. આ ગામ 2,800ની વસ્તી ધરાવતું છે. અહીં 1,460 મતદારો છે. જ્યારે અહીં ચૂંટણી સમયે નેતાઓ વોટ માટે લોકોને વાયદા તો કરે છે પણ જંગી વોટ લઈને જીત્યા બાદ આ ગામ સામે કરેલા વાયદાને કોઈ સામે જોતું નથી, ત્યારે અવાર નવાર સરકારને રજૂઆતો કરવા છતાં પીવાના પાણી માટે કોઈ ઉકેલ આવ્યો નથી.
પાણીની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી ગામના લોકોએ રજૂઆત કરી
ચીખલા ગામના લોકો સંદેશ ન્યૂઝના માધ્યમથી ગાંધીનગરમાં બેઠેલી સરકારને જગાડીને પોતાના ગામમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી ગામના લોકોએ રજૂઆત કરી છે. પીવાના પાણી માટે એક માણસને ઘરે જ રહેવું પડે છે, જેના કારણે આખો પરિવાર કામે જઈ શકે અને બાળકો સમયસર સ્કુલે જઈ શકે. ત્યારે આ દૂર દૂર પાણી ભરવા જવા માટે બાળકો પણ માતા પિતાની સાથે જાય છે. જ્યારે ગામના આજુ બાજુના કુવાઓમાં પાણી નહિવત હોવાથી મોટા પ્રમાણમાં પાણી ભરવાં માટે ભેગા થયા બાદ બોર ચાલુ કરીને પાણી ભરવામાં આવે છે, જેને લઈને પાણીનો બગાડ ન થાય અને પીવાનું પાણી બધાને મળી રહે.
ગામના લોકોને ક્યારે પાણી મળશે તે એક સવાલ
સવારે સ્ત્રીઓ પાણી ભરતી હોય ત્યારે પોતાના બાળકો સહિત પાણી ભરવા જવું પડતું હોય છે અને પુરુષો પણ જોડે જતા હોય છે, જેને લઈને સ્ત્રીઓ પાણી માટે ઝઘડે નહીં તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ગામ લોકો દ્વારા સંદેશ ન્યૂઝના માધ્યમથી સરકાર સુધી સંદેશો પહોંચાડ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે મોટા વાયદા કરીને જંગી વોટથી જીત મેળવ્યા બાદ સરકાર અને નેતાઓ પાણી ક્યારે પૂરું પાડશે.